Get News Alerts

Never miss breaking news updates.

Surat News: ઉત્રાણ રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવાશે

Surat News: શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર મુસાફરોનું ભારણ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ઉત્રાણ રેલવે સ્ટેશનને મોડેલ સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 05:49 PM IST
Surat News: ઉત્રાણ રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવાશેSurat News: ઉત્રાણ રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવાશે

Surat

Surat News: શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર મુસાફરોનું ભારણ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ઉત્રાણ રેલવે સ્ટેશનને મોડેલ સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્રાણ સ્ટેશન પર આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે અને ટ્રેનોના સંચાલનમાં પણ સરળતા રહે.

12 દિવસમાં કામગીરી પૂર્ણ કરીને ટ્રેનોની અવરજવર શરૂ કરવાનું આયોજન

મળતી માહિતી મુજબ, ઉત્રાણ રેલવે સ્ટેશન પર યાર્ડ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આગામી 10થી 12 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરીને ટ્રેનોની અવરજવર શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત, સ્ટેશન પર ચાર નવા ફુલ-લેન્થ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે, જેના કારણે લાંબા અંતરની ટ્રેનો પણ અહીં ઊભી રહી શકશે. શરૂઆતના તબક્કામાં ઉત્રાણ સ્ટેશનથી વડોદરા, અમદાવાદ અને ગોધરા તરફ જતી લોકલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનું ભારણ ઘટશે

આ વ્યવસ્થાથી સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનું ભારણ ઘટશે અને મુસાફરોને વૈકલ્પિક બોર્ડિંગ તથા ઉતરવાની સુવિધા મળશે. દિવાળી, છઠ પૂજા અને ઉનાળાના વેકેશન જેવા તહેવારો તથા રજાના સમયગાળામાં પૂર્વ અને ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યા વધી જાય છે. આવા સમયે મુસાફરોની વધતી માગને પહોંચી વળવા ઉત્રાણ સ્ટેશનથી વિશેષ ટ્રેનો શરૂ કરવાની પણ યોજના છે. આથી લાંબા અંતરની મુસાફરી કરતા લોકોને રાહત મળવાની શક્યતા છે.

સુરતના રેલવે નેટવર્કને વધુ મજબૂતી મળશે

રેલવે દ્વારા આગામી ચારથી છ મહિનામાં ઉત્રાણ સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ 'અમૃત ભારત સ્ટેશન' તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મુસાફરો માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને સ્ટેશનની વ્યવસ્થામાં સુધારા કરવામાં આવશે. ઉત્રાણ સ્ટેશનના વિકાસથી સુરતના રેલવે નેટવર્કને વધુ મજબૂતી મળશે. સાથે જ મુખ્ય સ્ટેશન પરનું ભારણ ઘટાડવામાં અને તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવરને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. જોકે, ટ્રેનોના સમયપત્રક અને નવી સુવિધાઓ શરૂ થવાની ચોક્કસ તારીખ અંગે રેલવેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: Rajkot News: જસદણના કરમાળકોટડા ગામે કપાસના ખેતરમાંથી ગાંજાના 3 છોડ ઝડપાયા, રૂપિયા 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.