Rajkot News: ઉપલેટાના ગઢાળા ગામે રૂપિયા 8 કરોડના નિર્માણાધીન પુલના લોકાર્પણને લઈને વિવાદ, પૂર્વ સરપંચ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ


Rajkot News
Rajkot News: ઉપલેટાના ગઢાળા ગામે રૂપિયા 8 કરોડના નિર્માણાધીન પુલના લોકાર્પણને લઈને વિવાદ, પૂર્વ સરપંચ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ


Rajkot News
Rajkot News: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદી પર બની રહેલા આશરે રૂપિયા 8 કરોડના પુલને ગ્રામજનો દ્વારા ખુલ્લો મૂકી દેવાના મામલે વિવાદ સર્જાયો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ પુલનું કામ હજુ પૂર્ણ ન થયું હોવાની રજૂઆત સાથે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ ઉતડીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરે ફરિયાદ નોંધાવી
મળતી માહિતી મુજબ, મોજ નદી પર પુલ બનાવવાનું કામ 9 ઑક્ટોબર, 2024થી શરૂ કરવામાં આવ્યું હતું. પુલનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું માનીને ગ્રામજનો છેલ્લા દસેક દિવસથી તેનો ઉપયોગ કરી રહ્યા હતા. ગામના લોકોએ કોઈ રાજકીય હસ્તક્ષેપ વિના ગામની બે નાની દીકરીઓના હાથે રિબન કપાવી પુલને વાહનવ્યવહાર અને લોકોની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. જોકે, આ ઘટનાને લઈને હવે વિવાદ ઊભો થયો છે. ઉપલેટા માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રતીક ગોવિંદભાઈ દેલવાડિયાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પુલનું કામ હજુ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી અને વિભાગ દ્વારા કોઈ કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી.
પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી
અધૂરા કામવાળા પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે તેવી રજૂઆત પણ ફરિયાદમાં કરવામાં આવી છે. આ મામલે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 અને 285 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે પુલને ખુલ્લો મૂકવાની સમગ્ર પ્રક્રિયા અને આ ઘટનામાં જવાબદારી અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ગઢાળા ગામમાં નિર્માણાધીન પુલના ઉપયોગ અને તેની સલામતીને લઈને ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: Mahisagar News: ગરીયા ગામે હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનો ખુલાસો





