Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: ગરબાના નામે નકલી ટિકિટ-પાસ વેચતી ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીઓ ઝડપાયા

Ahmedabad: નવરાત્રિ દરમિયાન ગરબાના નકલી ટિકિટ અને પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 04:15 PM IST
Ahmedabad: ગરબાના નામે નકલી ટિકિટ-પાસ વેચતી ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીઓ ઝડપાયાAhmedabad: ગરબાના નામે નકલી ટિકિટ-પાસ વેચતી ગેંગનો પર્દાફાશ, રાજસ્થાનથી બે આરોપીઓ ઝડપાયા

Ahmedabad

Ahmedabad: નવરાત્રિ દરમિયાન ગરબાના નકલી ટિકિટ અને પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમની ટીમે રાજસ્થાનના સીકર પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ જાણીતા ગરબા આયોજકોના નામ અને લોગોનો દુરુપયોગ કરીને નકલી પાસ તૈયાર કરતા અને સોશિયલ મીડિયા મારફતે તેનું વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ સાયબર ક્રાઈમે કાર્યવાહી કરીને 21 વર્ષીય વીરેન્દ્રસિંહ રાજપૂત અને 22 વર્ષીય કિશનસિંહ રાઠોડને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર, આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 'વીર રાજપૂત' નામનું એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ મારફતે સસ્તા ભાવે ગરબાના પાસ આપવાની જાહેરાતો મૂકવામાં આવતી હતી, જેના આધારે લોકોનો સંપર્ક કરીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આરોપ છે.

25 જેટલા જાણીતા ગરબા આયોજકોના નામનો દુરુપયોગ કર્યો

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓએ આશરે 25 જેટલા જાણીતા ગરબા આયોજકોના નામનો દુરુપયોગ કર્યો હતો. ગરબા આયોજકોના નામ અને લોગોનો ઉપયોગ કરીને નકલી પાસ તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ પાસ સસ્તા ભાવે ઉપલબ્ધ હોવાની જાહેરાતો મૂકીને લોકોને આકર્ષવામાં આવતા હતા. નવરાત્રિ દરમિયાન ગરબામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પાસ ખરીદતા હોય છે. આવા સમયે સસ્તા પાસની લાલચ આપીને સાયબર ઠગો લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની શક્યતા રહે છે. આ કિસ્સામાં અમદાવાદ સાયબર ક્રાઈમે રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગરબાના પાસ માત્ર અધિકૃત આયોજકો પાસેથી ખરીદવા અપીલ

હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરીને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને આ નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમે નાગરિકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા એકાઉન્ટમાંથી મળતી સસ્તા પાસની ઓફરથી સાવચેત રહેવા અને ગરબાના પાસ માત્ર અધિકૃત આયોજકો અથવા માન્ય વેચાણ માધ્યમો પરથી જ ખરીદવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Amreli: ધારીના ગીગાસણ ગામે કૂવામાં ખાબક્યો 15 ફૂટનો મહાકાય અજગર, 2 કલાકના રેસ્ક્યૂ બાદ સુરક્ષિત મુક્ત કરાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.