વડોદરામાં ચોરોની હિંમત! 150 મીટર ફૂટપાથ ખોદી BSNLના કેબલ ચોરી ફરાર



વડોદરામાં ચોરોની હિંમત! 150 મીટર ફૂટપાથ ખોદી BSNLના કેબલ ચોરી ફરાર



વડોદરા દાંડિયા બજારમાં રાતોરાત ઘટના, મનપાના કેમેરા બંધ હોવાથી ખાનગી દુકાનોના CCTVના આધારે તપાસ શરૂ
વડોદરા: શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ચોરોએ હદ વટાવી દીધી છે. રાતોરાત આશરે 150 મીટર લાંબો ફૂટપાથ ખોદીને BSNLના અંડરગ્રાઉન્ડ કેબલની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
ઘટનાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જોકે તપાસ દરમિયાન એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા મનપાના CCTV કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તપાસમાં મુશ્કેલી ઊભી થઈ છે.
પોલીસ અને સંબંધિત વિભાગ હવે આરોપીઓને શોધવા માટે આસપાસની ખાનગી દુકાનો અને વેપારી સંસ્થાઓમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહ્યા છે. ફૂટેજના આધારે શંકાસ્પદ લોકોની ઓળખ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
શહેરના વ્યસ્ત દાંડિયા બજાર વિસ્તારમાં ચોરો રાતોરાત 150 મીટર ફૂટપાથ ખોદી કિંમતી BSNL કેબલ ચોરી જાય અને કોઈને જાણ પણ ન થાય, તે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. બીજી તરફ, મનપાના CCTV કેમેરા બંધ હોવાના મુદ્દે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરીમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.




