Amit Shah: દ્વારકેશલાલજી મહારાજના 60મા જન્મદિને અમિત શાહે પાઠવી શુભેચ્છા, વલ્લભાચાર્યના પ્રાગટ્યસ્થળના વિકાસ માટે 73 કરોડ રૂપિયાની ફાળવણી

Amit Shah: વડોદરામાં દ્વારકેશલાલજી મહારાજના 60મા જન્મદિને યોજાયેલા વિશ્વ કલ્યાણ મહોત્સવને અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધ્યો અને વલ્લભાચાર્યના પ્રાગટ્યસ્થળના વિકાસની માહિતી આપી.
Nancy Shukal
Nancy Shukal
Amit Shah: દ્વારકેશલાલજી મહારાજના જન્મદિને અમિત શાહનું સંબોધનAmit Shah: દ્વારકેશલાલજી મહારાજના જન્મદિને અમિત શાહનું સંબોધન

Amit Shah: દ્વારકેશલાલજી મહારાજના જન્મદિને અમિત શાહનું સંબોધન

Amit Shah: વડોદરામાં ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના 60મા જન્મદિવસ નિમિત્તે 'વિશ્વ કલ્યાણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. તેમણે મહારાજશ્રીના ચરણોમાં વંદન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે મહારાજશ્રીની ષષ્ઠીપૂર્તિ સમગ્ર વલ્લભ સંપ્રદાય માટે આનંદ અને ગર્વની ક્ષણ છે. સનાતન સંસ્કૃતિમાં 60 વર્ષ પૂર્ણ થવાનું વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ છે. સનાતન પંચાંગ અનુસાર 60 સંવત્સરોનું એક પૂર્ણ ચક્ર હોય છે. કોઈ સાધક કે મહાપુરુષ આ ચક્ર પૂર્ણ કરે ત્યારે તેમના જીવનકાર્યો અને સમાજમાં સ્થાપિત કરેલી સંસ્કાર પરંપરા સૌના કલ્યાણ માટે પ્રેરણારૂપ બને છે.

વલ્લભાચાર્યના વિચારોને જનજન સુધી પહોંચાડ્યા

અમિત શાહે જણાવ્યું હતું કે દ્વારકેશલાલજી મહારાજે વલ્લભાચાર્યના 'જગત સત્ય છે, મિથ્યા નહીં'ના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તેમણે પુષ્ટિમાર્ગના મૂળ મર્મને ઉજાગર કરવાની સાથે યુવાનોમાં સંપ્રદાય અને હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા વધારવાનું કાર્ય કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહારાજશ્રીએ કાશી અને વૃંદાવન જેવી વિદ્યાનગરીઓમાં સંસ્કૃત, વેદાંત, સાહિત્ય, ન્યાયશાસ્ત્ર અને મીમાંસા જેવા વિષયોનું ગહન અધ્યયન કર્યું છે. સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વ્રજભાષા, મેવાડી અને ઉર્દૂ સહિતની ભાષાઓ પરનું તેમનું પ્રભુત્વ તેમની વિદ્વત્તા દર્શાવે છે.

VIPOના માધ્યમથી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા

અમિત શાહે જણાવ્યું હતું કે વૈષ્ણવ ઈનરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેશન (VIPO)ના માધ્યમથી મહારાજશ્રી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાય માટે સતત કાર્યરત રહ્યા છે. સેવાકાર્યની સાથે તેમણે પુષ્ટિમાર્ગના વિચારોને જનમાનસ સુધી પહોંચાડ્યા છે.

તેમણે મહાપ્રભુજીનાં 84 બેઠકસ્થાનો પર ભાગવત પ્રવચન, પઠન અને માર્ગદર્શન દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ ફેલાવવાના કાર્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહાપ્રભુજી દ્વારા રચિત 'ષોડશ ગ્રંથ' અને 84 બેઠકજીની પરંપરા રાષ્ટ્રીય એકતા તથા આધ્યાત્મિક વારસાને મજબૂત બનાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

વલ્લભાચાર્યના પ્રાગટ્યસ્થળના વિકાસ માટે 73 કરોડ રૂપિયાની ફાળવણી

અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને ઐતિહાસિક વારસાના જતન માટે કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યસ્થળના વિકાસ માટે કેન્દ્ર સરકારે 73 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

15 એકર જમીનમાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે અને આ સ્થળને ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના છે. આ માટે મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠક ટ્રસ્ટના માધ્યમથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત છત્તીસગઢ સરકાર તરફથી 25 કરોડ રૂપિયા ઉમેરવામાં આવશે તેમ પણ અમિત શાહે જણાવ્યું હતું.

સંબોધનના અંતે અમિત શાહે દ્વારકેશલાલજી મહારાજના ચરણોમાં વંદન કરી ષષ્ઠીપૂર્તિ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પૂજ્ય શ્રી આશ્રય કુમારજી, પૂજ્ય શ્રી શરણમ કુમાર મહારાજ સહિત મહારાજશ્રીના અનુયાયીઓ અને મોટી સંખ્યામાં વલ્લભ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Banaskantha News: અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણો દૂર કરાયા, ગ્રામ પંચાયત હસ્તકની જગ્યા અને અન્ય જગ્યા ખુલ્લી કરાઈ