Banaskantha News: અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણો દૂર કરાયા, ગ્રામ પંચાયત હસ્તકની જગ્યા અને અન્ય જગ્યા ખુલ્લી કરાઈ

Banaskantha News: અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી તંત્રે દબાણો દૂર કરી માર્ગ ખુલ્લા કર્યા. શક્તિદ્વાર પાસે અંડરપાસની કામગીરીને પગલે કાર્યવાહી કરાઈ.
Kunjan Shukal
Kunjan Shukal
દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવીદબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

Banaskantha News: ગુજરાતની પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રની હાજરીમાં કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન ગ્રામ પંચાયત હસ્તકની જમીન સહિત અન્ય જગ્યાઓ પરનાં દબાણો દૂર કરી માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

સર્વે નંબર 20 અને 12 તરફ જતા માર્ગ પરના દબાણો હટાવ્યા

અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ અંડરપાસ બનાવવાની કામગીરીને ધ્યાનમાં રાખીને આ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન રેવન્યુ સર્વે નંબર 8 પૈકીની એક જગ્યા પરનાં દબાણો તેમજ સ્પોર્ટ્સ સંકુલને દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્વે નંબર 20 અને 12 તરફ જતા માર્ગ પરના દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. સ્થાનિક વિસ્તારમાં આવેલા છૂટક દબાણો દૂર કરીને માર્ગને અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. શક્તિ કોરિડોર પ્રોજેક્ટના અમલીકરણ સાથે અંબાજીમાં યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની અવરજવર વધુ સુગમ બને તે દિશામાં આ કામગીરી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

નવો વૈકલ્પિક માર્ગ શરૂ કરવાની પણ યોજના

આગામી સમયમાં કૈલાશ ડાઇનિંગ હોલથી આપેશ્વર મહાદેવ મંદિર સુધી નવો વૈકલ્પિક માર્ગ શરૂ કરવાની પણ યોજના છે. આ માર્ગ શરૂ થતાં આ વિસ્તારમાં વાહનવ્યવહારને વધુ સુવિધા મળી શકે છે અને મંદિર તરફ આવતા શ્રદ્ધાળુઓને પણ વૈકલ્પિક માર્ગનો લાભ મળશે. અંબાજીમાં ચાલી રહેલા વિકાસકાર્યોના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. શક્તિદ્વાર પાસે અંડરપાસનું નિર્માણ અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પૂર્ણ થતાં યાત્રાધામની માળખાકીય સુવિધાઓમાં વધારો થવાની આશા છે.

આ પણ વાંચો: Kadi Ancient Stepwell: કડીના ભવનાથ મહાદેવ મંદિર પાસે પૌરાણિક વાવ મળી હોવાની ચર્ચા, સફાઈ દરમિયાન પગથિયાં અને ભોંયરું દેખાયું