Mehsana News: RTOનું વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા, ખેરાલુમાં સઘન રાત્રિ ચેકિંગ, 192 વાહનોને ચલણ ફટકારાયા

Mehsana News: મહેસાણા RTOની રાત્રિ ચેકિંગ ઝુંબેશમાં પાંચ વિસ્તારોમાં 192 ચલણ ફટકારાયા. અનધિકૃત LED લાઇટ અને ઓવરલોડિંગ સામે સૌથી વધુ કાર્યવાહી કરાઈ.
Kunjan Shukal
Kunjan Shukal
વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવીવિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

Mehsana News: માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા મહેસાણા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા રાત્રિના સમયે વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ કુલ 192 વાહનોને ચલણ ફટકારવામાં આવ્યા હતા.

ચાર વિશેષ ટીમની રચના કરવામાં આવી

માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા ચાર વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ વિજાપુર, કડી, બેચરાજી, ઊંઝા અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન વાહનોમાં અનધિકૃત રીતે લગાવવામાં આવેલી LED લાઇટ અને રિફ્લેક્ટર સામે સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. આ નિયમભંગ બદલ કુલ 105 ચલણ ફટકારવામાં આવ્યા હતા.

ઓવરલોડ વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી

આ ઉપરાંત ઓવરલોડ વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઓવરલોડિંગના 31 અને ODC (ઓવર ડાયમેન્શનલ કાર્ગો)ના 28 ચલણ બનાવવામાં આવ્યાં હતાં. વાહનોની ફિટનેસ અને પરમિટ સંબંધિત નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ફિટનેસના 18 અને પરમિટના 5 ચલણ ફટકારવામાં આવ્યાં હતાં. જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત નિયમોના ભંગ બદલ 2 ચલણ બનાવવામાં આવ્યાં હતાં.

આમ, રાત્રિ દરમિયાન હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશમાં કુલ 192 ચલણ ફટકારવામાં આવ્યા હતા. આરટીઓ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવાના હેતુથી આવી ચેકિંગ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. આરટીઓ દ્વારા વાહનચાલકોને વાહનોમાં માન્ય લાઈટ અને રિફ્લેક્ટરનો ઉપયોગ કરવા, ઓવરલોડિંગ ટાળવા તેમજ વાહનના જરૂરી દસ્તાવેજો અને પરમિટ સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકો નિયમોનું પાલન કરે તો માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડી શકાય છે.

આ પણ વાંચો: Gandhinagar News: સ્વચ્છતા ભંગ કરનારા 497 સામે કાર્યવાહી, મનપાએ રૂપિયા 4.36 લાખનો દંડ વસૂલ્યો