IPL 2027: જસપ્રીત બુમરાહે ઠુકરાવી રોહિત શર્માના ડેપ્યુટી બનવાની ઓફર? રિપોર્ટમાં થયો ખુલાસો

IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યા બાદ જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનવાની ઓફર કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
Nancy Shukal
Nancy Shukal
IPL 2027: જસપ્રીત બુમરાહે ઠુકરાવી રોહિતના ડેપ્યુટી બનવાની ઓફર?IPL 2027: જસપ્રીત બુમરાહે ઠુકરાવી રોહિતના ડેપ્યુટી બનવાની ઓફર?

IPL 2027: જસપ્રીત બુમરાહે ઠુકરાવી રોહિતના ડેપ્યુટી બનવાની ઓફર?

IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 માટે ફરી એકવાર રોહિત શર્માને ટીમની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2023 બાદ રોહિત પાસેથી કેપ્ટનશીપ લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ હાર્દિક પંડ્યાએ 3 સીઝન સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું.

આ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ પણ સામે આવી હતી. હવે ફ્રેન્ચાઈઝીએ ફરી રોહિત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બધાની વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જસપ્રીત બુમરાહને ટીમના વાઈસ કેપ્ટન બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને આ ઓફર સ્વીકારવાની ના પાડી છે.

રોહિતને કેપ્ટન બનાવવાનો નિર્ણય અગાઉથી લેવાયો હતો

મીડિયા રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની પુષ્ટિ થાય તે પહેલાં જ ફ્રેન્ચાઈઝીએ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાનો નિર્ણય લઈ લીધો હતો.

કેપ્ટનની પસંદગી કરતી વખતે ટીમે સૂર્યકુમાર યાદવના નામ પર વિચાર કર્યો ન હતો. સૂર્યકુમારની કેપ્ટનશીપમાં ભારતે આ જ વર્ષે T20 વર્લ્ડકપ જીત્યો હતો. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને તિલક વર્માને પણ આ મોટી જવાબદારી સોંપવામાં આવી ન હતી.

મુંબઈ ઈન્ડિયન્સમાં કોઈ નિશ્ચિત વાઈસ કેપ્ટન નથી

મુંબઈ ઈન્ડિયન્સમાં હાલમાં કોઈ નિશ્ચિત વાઈસ કેપ્ટન નથી. પરંતુ મુખ્ય કેપ્ટનની ગેરહાજરીમાં ટીમની જવાબદારી સંભાળી શકે તેવા અનુભવી અને સિનિયર ખેલાડીની જરૂર રહે છે. અગાઉની સીઝનમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહે અલગ-અલગ સમયે ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

જસપ્રીત બુમરાહે વાઈસ કેપ્ટન બનવાની ઓફર ઠુકરાવી?

જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. તે પોતાની બોલિંગથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મેચનું પાસું પલટાવવાની ક્ષમતા ધરાવે છે. ફ્રેન્ચાઈઝીએ 2025ના મેગા ઓક્શન પહેલાં તેને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. બીજી તરફ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ટીમ સાથે જોડાયેલા રહેવા માટે પોતાના પગારમાં ઘટાડો સ્વીકાર્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈ ઈન્ડિયન્સના ટોપના મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનવાની ઓફર કરી હતી, પરંતુ તેને નમ્રતાપૂર્વક આ ઓફર ઠુકરાવી દીધી હતી. પરંતુ જસપ્રીત બુમરાહે આ જવાબદારી સ્વીકારવાની ના કેમ પાડી તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

અગાઉની સીઝનમાં કેપ્ટનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરવાની તક મળી ત્યારે જસપ્રીત બુમરાહે એક રસપ્રદ વાત કહી હતી. તેને કહ્યું હતું કે "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે MIનો કેપ્ટન બનતાં પહેલાં હું ટેસ્ટ કેપ્ટન બની જઈશ."

આ પણ વાંચો: Triathlon 2027: અમદાવાદમાં યોજાશે ‘આયર્નમેન 70.3’, સાબરમતી રિવરફ્રન્ટ બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું કેન્દ્ર