Triathlon 2027: અમદાવાદમાં યોજાશે ‘આયર્નમેન 70.3’, સાબરમતી રિવરફ્રન્ટ બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું કેન્દ્ર


Triathlon 2027: અમદાવાદમાં યોજાશે આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન સ્પર્ધા
Triathlon 2027: અમદાવાદમાં યોજાશે ‘આયર્નમેન 70.3’, સાબરમતી રિવરફ્રન્ટ બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું કેન્દ્ર


Triathlon 2027: અમદાવાદમાં યોજાશે આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન સ્પર્ધા
Triathlon 2027: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને આંતરરાષ્ટ્રીય રમતગમત અને એન્ડ્યુરન્સ ઈવેન્ટ્સના કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આગામી 14 ફેબ્રુઆરી, 2027ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3 અમદાવાદ’ ટ્રાયથ્લોન સ્પર્ધાનું આયોજન થશે.
આ સ્પર્ધામાં દેશ-વિદેશના એથ્લીટ્સ સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ કરશે. ગુજરાત પ્રવાસન વર્ષ 2026-27 અંતર્ગત યોજાનારી આ ઈવેન્ટથી રાજ્યને ગ્લોબલ સ્પોર્ટ્સ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાના પ્રયાસોને વેગ મળશે.
આયર્નમેન ગ્રુપ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત આ સ્પર્ધાના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ પ્રત્યે વધી રહેલા ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગોવા બાદ હવે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ આયોજનથી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ માટે ભારતની ઓળખ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.
આયર્નમેનના કન્ટ્રી હેડે સાબરમતીમાં કર્યું સ્વિમિંગ
આયર્નમેનના કન્ટ્રી હેડ દિપક રાજે તાજેતરમાં અન્ય 12 એથ્લીટ્સ સાથે અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં સ્વિમિંગ કર્યું હતું. તેમને નદીના પાણીની ગુણવત્તા અને અન્ય વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ અમદાવાદમાં આયર્નમેન 70.3 સ્પર્ધા યોજવા અંગે ઉત્સાહ દર્શાવ્યો હતો.
113 કિલોમીટરની સ્પર્ધામાં ત્રણ પડકાર
આયર્નમેન 70.3 વિશ્વની પ્રતિષ્ઠિત ટ્રાયથ્લોન સ્પર્ધાઓમાંની એક છે. તેમાં એથ્લીટ્સની શારીરિક ક્ષમતા, સહનશક્તિ અને માનસિક દૃઢતાની કસોટી થાય છે. સ્પર્ધામાં કુલ 113 કિલોમીટર એટલે કે 70.3 માઈલનું અંતર ત્રણ તબક્કામાં પૂર્ણ કરવાનું રહેશે.

સ્વિમિંગ: સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર
સાઈકલિંગ: શહેરના માર્ગો અને રિવરફ્રન્ટના રૂટ પર 90 કિલોમીટર
દોડ: સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર 21.1 કિલોમીટર
સવારે 7 વાગ્યે અટલ બ્રિજ નીચેથી થશે શરૂઆત
14 ફેબ્રુઆરી, 2027ના રોજ સવારે 7 વાગ્યે સાબરમતી નદીમાં અટલ બ્રિજની નીચેથી સ્વિમિંગ સાથે સ્પર્ધાનો પ્રારંભ થશે. એથ્લીટ્સ નદીમાં નિર્ધારિત રૂટ પર 1.9 કિલોમીટરનું અંતર કાપશે. નદીમાં પાણીનો શાંત અને ઓછો પ્રવાહ સ્વિમિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવાની સંભાવના છે.

સ્વિમિંગ પૂર્ણ થયા બાદ એથ્લીટ્સ શહેરના માર્ગો અને સાબરમતી રિવરફ્રન્ટને આવરી લેતા રૂટ પર સાઈકલિંગ કરશે. 30 કિલોમીટરના ત્રણ રાઉન્ડમાં કુલ 90 કિલોમીટરનું અંતર પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ સ્પર્ધાના અંતિમ તબક્કામાં રિવરફ્રન્ટના વોકવે પર ત્રણ રાઉન્ડમાં 21.1 કિલોમીટરની દોડ યોજાશે. એથ્લીટ્સ અટલ બ્રિજ પરથી પસાર થઈને સ્પર્ધાના નિર્ધારિત સમાપન સ્થળે પહોંચશે.
સાબરમતી રિવરફ્રન્ટને મળશે આંતરરાષ્ટ્રીય ઓળખ
સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની આગવી ઓળખ અને શહેરી વિકાસનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. હાલમાં આ સ્થળ વોકિંગ, જોગિંગ, સાઈકલિંગ, બોટિંગ, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકપ્રિય છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરની એન્ડ્યુરન્સ સ્પોર્ટ્સ ઈવેન્ટના આયોજનથી અહીં ઓપન વોટર સ્વિમિંગ, ટ્રાયથ્લોન અને અન્ય રમતો વિકસાવવાની નવી તકો ઊભી થશે. આ સ્પર્ધા રિવરફ્રન્ટની રમતગમત ક્ષેત્રે રહેલી સંભાવનાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં પણ મળશે અનુભવ
વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના સંદર્ભમાં પણ આયર્નમેન 70.3 જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન મહત્ત્વપૂર્ણ છે. વિદેશી એથ્લીટ્સના આગમનથી લઈને સ્પર્ધાના આયોજન, સુરક્ષા, પરિવહન અને પ્રવાસન સેવાઓ સુધીની વિવિધ વ્યવસ્થાઓનો અનુભવ શહેરને મળશે. આ ઈવેન્ટ અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવામાં મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો: Mumbai Indians Captain: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય, IPL 2027માં ફરી રોહિત શર્મા કરશે કેપ્ટનશીપ




