Surat : સચીનના હોજીવાલા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના


surat car accident
Surat : સચીનના હોજીવાલા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના


surat car accident
Surat : સુરતના સચીન વિસ્તારમાં આવેલા હોજીવાલા ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હોજીવાલા રોડ નંબર-11 ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની અલ્કાઝાર કારે સુપર કેરી ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ટેમ્પોને ભારે નુકસાન થયું
મળતી માહિતી મુજબ, હોજીવાલા રોડ નંબર-11 ચાર રસ્તા પાસે સફેદ અલ્કાઝાર કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કાબૂ ગુમાવતા સુપર કેરી ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અર્જુન નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત સર્જાયા બાદ અલ્કાઝાર કારનો ચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ હોવાથી પોલીસ માટે તપાસમાં મહત્વની કડી મળી છે. CCTV ફૂટેજના આધારે પોલીસ કાર અને તેના ચાલકની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે.
સચીન પોલીસ મથકમાં ગુનો દાખલ
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રદિપ ભરવાડની ફરિયાદના આધારે સચીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, કારની ઝડપ કેટલી હતી તેમજ ફરાર થયેલા કાર ચાલકની ઓળખ સહિતની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત બાદ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી લેવા માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : Ahmedabad : પાસપોર્ટ ફ્રોડ મામલે ATSની કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસના આરોપીની કરાઈ ધરપકડ





