Surat : ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે રોષ, ઉધના ઝોન-એ કચેરી ખાતે કર્યો ઘેરાવો


Surat
Surat : ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે રોષ, ઉધના ઝોન-એ કચેરી ખાતે કર્યો ઘેરાવો


Surat
Surat : શહેરના ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવિધ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠાની સમસ્યાથી પરેશાન 50થી વધુ રહેવાસીઓએ ઉધના ઝોન-એ કચેરીનો ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
રહેવાસીઓએ 'પાણી આપો, પાણી આપો'ના નારા લગાવ્યા
પાણીની સમસ્યાથી કંટાળેલા રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉધના ઝોન-એ કચેરી ખાતે પહોંચ્યા હતા. લોકોએ પાણી વિભાગની કચેરી બહાર બેસીને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન રહેવાસીઓએ 'પાણી આપો, પાણી આપો'ના નારા લગાવી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રહેવાસીઓના જણાવ્યા મુજબ, વિવિધ સોસાયટીઓમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાણી પુરવઠો અનિયમિત થતાં દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણી પુરવઠાની સમસ્યા તાત્કાલિક દૂર કરવાની માગ
વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતાં આખરે રહેવાસીઓએ ઝોન કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. વિરોધ દરમિયાન લોકોએ પાણી વિભાગના અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. રહેવાસીઓએ પાણી પુરવઠાની સમસ્યા તાત્કાલિક દૂર કરવાની માગ કરી હતી. સાથે જ જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સ્થળ પરથી નહીં હટવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મોટી સંખ્યામાં લોકો કચેરી બહાર એકત્ર થતાં તંત્રનું ધ્યાન પણ આ મુદ્દા તરફ દોરાયું હતું. રહેવાસીઓએ નિયમિત પાણી પુરવઠો શરૂ કરવા અને પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માગ કરી હતી. ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને થયેલા આ વિરોધ બાદ હવે તંત્ર દ્વારા રહેવાસીઓની ફરિયાદ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે અને પાણી પુરવઠો ક્યારે નિયમિત થાય છે, તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : ઉનાના ગરાળ ગામમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી, બે ઝડપાયા





