Surat : ઉધના સ્થિત રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ, 13 લોકો બેઝમેન્ટ-1માં ફસાયા


Surat
Surat : ઉધના સ્થિત રિલાયન્સ મોલમાં લિફ્ટ ખોટકાઈ, 13 લોકો બેઝમેન્ટ-1માં ફસાયા


Surat
Surat : ઉધના વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં મોડી રાત્રે લિફ્ટ ખોટકાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિર્ઝાપુર મૂવી જોઈને પરત ફરી રહેલા આશરે 13 જેટલા યુવાનો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. લિફ્ટ બેઝમેન્ટ-1માં અટવાઈ જતા તમામ યુવાનો માટે મુશ્કેલી ઊભી થઈ હતી.
મળતી માહિતી મુજબ, ફિલ્મ જોઈને યુવાનો મોલમાંથી બહાર નીકળવા માટે લિફ્ટમાં ગયા હતા. આ દરમિયાન અચાનક લિફ્ટ ખોટકાઈ ગઈ હતી અને બેઝમેન્ટ-1માં જઈને અટકી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા યુવાનોને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતા તેઓએ મદદ માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
કેટલાક યુવાનોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી
બેઝમેન્ટ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોવાથી યુવાનોને બહાર સંપર્ક કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. લાંબા સમય સુધી લિફ્ટમાં ફસાયેલા રહેતા અંદર ગૂંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો અને કેટલાક યુવાનોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં એક યુવકે મહામહેનતે બહાર સંપર્ક સાધ્યો હતો.
ફાયર વિભાગના જવાનો આવ્યો મદદે
આ યુવકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રિલાયન્સ મોલ ખાતે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે મોલમાં આવેલી ચાર જેટલી લિફ્ટની તપાસ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ટીમે બેઝમેન્ટ-1માં બંધ પડેલી લિફ્ટ શોધી કાઢી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા જરૂરી કાર્યવાહી કરીને લિફ્ટનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજો ખુલતા અંદર ફસાયેલા તમામ 13 યુવાનોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની ટીમની સમયસરની કામગીરીને કારણે તમામ યુવાનોને સહીસલામત અને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, લિફ્ટ ખોટકાવાનું ચોક્કસ કારણ શું હતું અને મોલની લિફ્ટની જાળવણી અંગે યોગ્ય કામગીરી થઈ હતી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. ઘટના અંગે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad : બોડકદેવ વિસ્તારમાં બેકાબૂ કારનો અકસ્માત, કાર ચાલકે અનેક લોકોને લીધા અડફેટે





