Surat : ગ્રામ્યમાં માર્ગ અકસ્માતો અટકાવવા અનોખી પહેલ, Gen Z બનશે રોડ સેફ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર


Surat : ગ્રામ્યમાં માર્ગ અકસ્માતો અટકાવવા અનોખી પહેલ, Gen Z બનશે રોડ સેફ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર


Surat : સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા માર્ગ અકસ્માતોના આંકડાને ધ્યાનમાં રાખીને હવે પોલીસ અને RTO દ્વારા અકસ્માત નિવારણ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 18થી 25 વર્ષની વયના યુવાનો માર્ગ અકસ્માતોમાં વધુ ભોગ બનતા હોવાના આંકડાને ધ્યાનમાં રાખીને Gen Zના યુવાનોને જ રોડ સેફ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
RTO દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો
રોડ સેફ્ટી અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસ અને RTO દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોડ સેફ્ટી કમિશ્નર સતિષ પટેલ, સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, RTOના અધિકારીઓ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. માત્ર પોતે જ નિયમોનું પાલન કરવા ઉપરાંત પરિવારજનો, મિત્રો અને આસપાસના લોકોમાં પણ રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
1500થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું
યુવાનોને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા તેમજ બેદરકારીપૂર્વક વાહન ન ચલાવવા અંગે સમજ આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓ પાસે ટ્રાફિક નિયમોનું પાલન અને રોડ સેફ્ટી અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. અભિયાન અંતર્ગત 1500થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અને RTOનો મુખ્ય હેતુ યુવાનોમાં રોડ સેફ્ટીની જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. યુવાનોને જ જાગૃતિના દૂત બનાવી તેમના માધ્યમથી પરિવાર અને સમાજ સુધી રોડ સેફ્ટીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત ગ્રામ્યમાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે શરૂ કરાયેલી આ પહેલથી યુવાનોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : BJP Seva Sankalp Abhiyan : અમદાવાદના વિરાટનગરમાં ‘આંગણ મિલન ઉત્સવ’, બાળકો સાથે જગદીશ વિશ્વકર્માનો આત્મીય સંવાદ





