Surat: ગોડધા વિયરનું સમારકામ માત્ર 20 દિવસમાં પૂર્ણ, ખેડૂતોને મોટી રાહત


Surat
Surat: ગોડધા વિયરનું સમારકામ માત્ર 20 દિવસમાં પૂર્ણ, ખેડૂતોને મોટી રાહત


Surat
Surat: દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગોડધા વિયરનું સમારકામ સિંચાઈ વિભાગ દ્વારા માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. વિભાગની ઝડપી કામગીરીને કારણે સિંચાઈના પાણીની વ્યવસ્થા પુનઃસ્થાપિત થતાં ખેડૂતોને મોટી રાહત મળશે.
35 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે
મળતી માહિતી મુજબ, ભારે પૂરના કારણે 71,000 ક્યુસેકના પ્રચંડ જળપ્રવાહથી ગોડધા વિયરની બોડીવોલને ભારે નુકસાન થયું હતું. વિયરની આશરે 53 મીટર લાંબી બોડીવોલ ક્ષતિગ્રસ્ત થતાં સિંચાઈ વ્યવસ્થાને અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગે તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી હતી, જે 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ સિંચાઈના પાણીની કામચલાઉ વ્યવસ્થા પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ કામગીરીથી માંડવી અને અરેઠ તાલુકાનાં 35 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. અંદાજે 3,558 હેક્ટર ખેતી વિસ્તારને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. આગામી રવિ સિઝનમાં ખેડૂતોને પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.
લાંબા ગાળાની સલામતી જાળવવા કાયમી સમારકામ જરૂરી
ગોડધા વિયર કાકરાપાર-ગોડધા-વડ ઉદ્વહન સિંચાઈ યોજના માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. માંડવી, અરેઠ અને માંગરોળ તાલુકાના આશરે 20,500 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે આ વિયર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, હાલનું સમારકામ પૂર્ણ થયું હોવા છતાં વિયરની લાંબા ગાળાની સલામતી જાળવવા કાયમી સમારકામ જરૂરી છે. આગામી સમયમાં વિયર વધુ મજબૂત બને અને ખેડૂતોને નિયમિત સિંચાઈનું પાણી મળતું રહે તે માટે કાયમી સમારકામ અંગેની કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આ પણ વાંચો: Kutch: રાપરના ખેંગારપર ગામે નવજાત શિશુના મોતના કેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ





