Surat Bus Fire: SMCની સિટી બસમાં લાગી ભીષણ આગ! મુસાફરો અને ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બચાવ્યો જીવ


SMCની સિટી બસમાં લાગી ભીષણ આગ
Surat Bus Fire: SMCની સિટી બસમાં લાગી ભીષણ આગ! મુસાફરો અને ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બચાવ્યો જીવ


SMCની સિટી બસમાં લાગી ભીષણ આગ
Surat Bus Fire: સુરત શહેરમાં સિટી બસમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સહારા દરવાજા પાસે બ્રિજ નીચે પસાર થઈ રહેલી સુરત મહાનગરપાલિકા (SMC)ની સિટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તમામ લોકો બસની બહાર આવી જતાં મોટી જાનહાનિ ટળી
મળતી માહિતી અનુસાર, બસમાં આગ લાગી ત્યારે અંદાજે 5થી 6 મુસાફરો સવાર હતા. બસમાં અચાનક ધુમાડો નીકળવાની સાથે આગની ઘટના બની હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી બસના ડ્રાઈવર અને મુસાફરોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક બસમાંથી બહાર નીકળી જવાનું મુનાસિબ માન્યું હતું. તમામ મુસાફરો અને ડ્રાઈવર સુરક્ષિત રીતે બસની બહાર આવી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, મુસાફરો બસમાંથી બહાર નીકળી ગયા બાદ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડી જ વારમાં આગની જ્વાળાઓએ સમગ્ર બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને બસ બળીને ખાક થઈ ગઈ હતી.
ફાયર વિભાગની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, બસમાં આગ લાગવાની ઘટનાને પગલે સહારા દરવાજા બ્રિજ પાસે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરની જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં લેવાતી બસમાં આગ લાગવાની આ ઘટનાએ વાહનોની સુરક્ષા અને સમયાંતરે થતી ટેકનિકલ તપાસ અંગે પણ સવાલો ઊભા કર્યા છે.




