Surat : હીરાની ચોરીનો પર્દાફાશ, ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર મુંબઈથી ઝડપાયો


Surat
Surat : હીરાની ચોરીનો પર્દાફાશ, ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર મુંબઈથી ઝડપાયો


Surat
Surat : શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખો રૂપિયાના હીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અશ્વિનીકુમાર પોલીસે ₹6.93 લાખના હીરા ચોરી કરનાર લેસર મશીન ઓપરેટરની મુંબઈથી ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપીની ઓળખ મૂળ બનાસકાંઠાના 32 વર્ષીય ભરત પટેલ તરીકે થઈ છે.
પોલીસે આરોપી પાસેથી 7.67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી આશરે 77 કેરેટના તૈયાર હીરાની ચોરી કરી હતી. ચોરી બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસે આશરે 850 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત Gmail IPDR અને સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસને આરોપીની હિલચાલ અંગે મહત્વની કડીઓ મળી હતી. ત્યારબાદ તપાસ આગળ વધારી પોલીસે મુંબઈમાંથી ભરત પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી ચોરી થયેલા 77 કેરેટ તૈયાર હીરા સહિત કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઉપરાંત ચોરી કરવામાં આવેલી ત્રણ બાઈક અને કોમ્પ્યુટર મોનિટર પણ પોલીસે કબજે કર્યા છે.
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીએ વાપી RPF ઓફિસમાંથી કોમ્પ્યુટરની પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન સુરત અને વાપી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી તથા વાહન ચોરી સહિતના કુલ પાંચ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ અશ્વિનીકુમાર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ, તેમજ ચોરીના માલસામાન અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીની પૂછપરછ બાદ ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Jamnagar : કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર SOGના દરોડા, 1200 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું





