Vadodara News: શંકાસ્પદ આતંકી ઝડપાયો, AK-47 જેવી રાઈફલ, 23 કારતૂસ મળ્યા, મિલન હોટલમાં રોકાયો હોવાનો ATSનો દાવો

Vadodara News: ગુજરાત ATSએ વડોદરા નજીકથી શંકાસ્પદ આતંકીને હથિયારો સાથે ઝડપી પાડ્યો. મિલન હોટલમાં રોકાયો હોવાના ATSના દાવાને હોટલ માલિકે નકાર્યો.
Kunjan Shukal
Kunjan Shukal
વડોદરાથી શંકાસ્પદ આતંકીને ATSએ ઝડપ્યોવડોદરાથી શંકાસ્પદ આતંકીને ATSએ ઝડપ્યો

વડોદરાથી શંકાસ્પદ આતંકીને ATSએ ઝડપ્યો

Vadodara News: ગુજરાત ATS દ્વારા આતંકવાદી હુમલાના કથિત ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSના DIG સુનિલ જોશીએ સમગ્ર ઓપરેશન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો એક શખ્સ ભારતમાં આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતો. આગામી બે થી ચાર દિવસમાં કોઈ સ્થળે હુમલો કરવાની બાતમી મળતાં ATSએ તપાસ તેજ કરી હતી.

View post on Instagram

શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી

DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, એક DySPને મળેલી બાતમીના આધારે DySP સહિતની ટીમ બનાવવામાં આવી હતી. ત્યારબાદ ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન વડોદરાના રેલવે સ્ટેશન નજીક આવેલી મિલન હોટલમાં શંકાસ્પદ વ્યક્તિ રોકાયો હોવાની માહિતી મળી હતી.

હોટલની એન્ટ્રીના આધારે મોબાઈલ નંબર મેળવી ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં મોબાઈલ ફોન ટ્રેનમાં હોવાની જાણ થતાં ATSએ કાર્યવાહી કરી વડોદરા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી AK-47 જેવી રાઈફલ, 23 જીવતા કારતૂસ, જૈશ-એ-મોહમ્મદના ધ્વજ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

ATSએ હોટલમાં તપાસ કરી પાછલા સાત દિવસનો ડેટા પણ મેળવ્યો

ATSના જણાવ્યા અનુસાર, આરોપી મુફ્તી રફીકના સંપર્કમાં હતો. તે આસામના કરીમગંજથી ભોપાલ અને ત્યારબાદ વડોદરા પહોંચ્યો હતો. દાહોદ નજીકથી હથિયાર મેળવ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. હેન્ડલર દ્વારા તેને રૂપિયા 50,000 આપવામાં આવ્યા હતા. ટ્રેનની મુસાફરી, મોબાઈલ અને રહેવા માટે પણ નાણાં પૂરાં પાડવામાં આવ્યા હતા. ભારતમાં હુમલો કરીને પાકિસ્તાન ભાગી જવાનો તેનો કથિત પ્લાન હતો. આરોપીએ વડોદરાના કેટલાક સ્થળોના ફોટા પણ મોકલ્યા હોવાનું ATSએ જણાવ્યું છે.

બીજી તરફ, મિલન હોટલના માલિક ઈરશાદ અલી સૈયદે પોતાની હોટલમાં કોઈ આતંકવાદી રોકાયો હોવાનો ઈનકાર કર્યો છે. હોટલના રજિસ્ટરમાં મોહંમદ શેહરૂલ ઈસ્લામ નામની કોઈ એન્ટ્રી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. ATSએ હોટલમાં તપાસ કરી પાછલા સાત દિવસનો ડેટા પણ મેળવ્યો છે. હવે હથિયારોની વ્યવસ્થા અને ગુજરાતમાં આરોપીના સંપર્કો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Mehsana News: અસામાજિક તત્વો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 200 શકમંદોની તપાસ