Jamnagar : કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર SOGના દરોડા, 1200 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું


Jamnagar
Jamnagar : કાલાવડમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતી ડેરી પર SOGના દરોડા, 1200 લીટર શંકાસ્પદ દૂધ ઝડપાયું


Jamnagar
Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કથિત ગોરખધંધા સામે SOGએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમે કાલાવડ વિસ્તારમાં દરોડો પાડી મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતો સામાન ઝડપી લીધો હતો.
75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો
પોલીસને બાતમી મળી હતી કે કાલાવડ વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધ બનાવવામાં આવી રહ્યું છે. જેના આધારે SOGની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન કાનજી ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના મકાનમાંથી આશરે 1200 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું. આ ઉપરાંત 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો દૂધ બનાવવાનો પાવડર પણ મળી આવ્યો હતો. મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી મળી આવતા તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. નિયમ મુજબ સેમ્પલ લઈને તેને સીલ કરવામાં આવ્યા છે, જેથી લેબોરેટરી તપાસ બાદ દૂધમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે. માનવ સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે સ્થળ પર જ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને દૂધ બનાવવાના પાવડરનો નાશ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
આ સમગ્ર સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે એકમ સંકળાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીની સૂચનાથી SOG દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ SOG અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દૂધના લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ બાદ ભેળસેળની હકીકત અંગે વધુ વિગતો સામે આવી શકે છે. સાથે જ આવા શંકાસ્પદ દૂધનું વેચાણ ક્યાં અને કોને કરવામાં આવતું હતું તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Rajkot : નકલી ચલણી નોટો બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ, શાકભાજીના વેપારીની કરાઈ ધરપકડ





