Surat : સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, દુબઈથી પરત ફરેલા આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ


Surat
Surat : સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, દુબઈથી પરત ફરેલા આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ


Surat
Surat : સાયબર ક્રાઈમ સેલે વર્ષ 2023ના બે અલગ-અલગ સાયબર ફ્રોડના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમ્મદ તંબુવાલાની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી પોલીસથી બચવા માટે દુબઈમાં રહેતો હતો અને ભારત પરત ફરતાની સાથે જ સુરત સાયબર ક્રાઈમની ટીમે તેને ઝડપી લીધો હતો.
30 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી
પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ કેસમાં ટેલિગ્રામ પ્રીપેડ ટાસ્ક ફ્રોડ દ્વારા ફરિયાદી પાસેથી આશરે ₹30 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડ્યો હતો અને અલગ-અલગ પોર્ટલ પર રિવ્યુ આપવાના બદલામાં કમાણી કરાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ પ્રીપેડ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
સરકારના પોર્ટલનો ઉપયોગ કરીને છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ
આ કેસમાં મોહમ્મદ તંબુવાલાએ અગાઉ ઝડપાયેલા આરોપી તક્ષલ પાસેથી બે કરન્ટ બેન્ક એકાઉન્ટ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બેન્ક એકાઉન્ટ અન્ય ફરાર આરોપીને પૂરા પાડવાના બદલામાં તંબુવાલાને ₹5 લાખનું કમિશન મળ્યું હોવાનો આરોપ છે. ગુનો કર્યા બાદ વર્ષ 2023માં તે દુબઈ જતો રહ્યો હતો અને ત્યારથી ત્યાં જ રહેતો હતો. આરોપી તંબુવાલા ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ડ્યુટી ફ્રોડના બીજા કેસમાં પણ વોન્ટેડ હતો. આ કેસમાં Government of Indiaના ICEGATE પોર્ટલનો ઉપયોગ કરીને છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ છે. ફરિયાદીની ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ફર્મને માલની નિકાસ પર મળનારા આશરે ₹54 લાખના રિફંડ અથવા રિબેટને હડપ કરવાની યોજના બનાવવામાં આવી હતી.
સુરત સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી
ફરાર આરોપીએ ફરિયાદીના ICEGATE પોર્ટલના લોગિન ID, પાસવર્ડ સહિતના અન્ય જરૂરી ક્રેડેન્શિયલ્સ મેળવી છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. બંને કેસમાં વોન્ટેડ આરોપી મોહમ્મદ તંબુવાલા ભારત પરત ફર્યો હોવાની જાણ થતાં સુરત સાયબર ક્રાઈમની ટીમે મુંબઈ એરપોર્ટ પર કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. હાલ સુરત સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને બંને ગુનામાં તેની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Kutch Mela: નખત્રાણાના મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 400 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે બીજો દિવસ શાંતિપૂર્ણ પૂર્ણ





