Get News Alerts

Never miss breaking news updates.

Surat : 25 વર્ષથી ફરાર 20,000ના ઈનામી આરોપીની ઝારખંડમાંથી કરાઈ ધરપકડ

Surat : મોસ્ટ વોન્ટેડ આરોપી 47 વર્ષીય મિથિલેશ મેનેજરસિંહ ભૂમિહાર વર્ષ 2001માં ઉધના વિસ્તારમાં થયેલી પેટ્રોલ પંપ લૂંટ અને ફાયરિંગના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 09:18 PM IST
Surat : 25 વર્ષથી ફરાર 20,000ના ઈનામી આરોપીની ઝારખંડમાંથી કરાઈ ધરપકડSurat : 25 વર્ષથી ફરાર 20,000ના ઈનામી આરોપીની ઝારખંડમાંથી કરાઈ ધરપકડ

Surat

Surat : સુરત PCBએ 25 વર્ષથી ફરાર અને ₹20 હજારના ઈનામી આરોપીને ઝારખંડમાંથી ઝડપી પાડ્યો છે. મોસ્ટ વોન્ટેડ આરોપી 47 વર્ષીય મિથિલેશ મેનેજરસિંહ ભૂમિહાર વર્ષ 2001માં ઉધના વિસ્તારમાં થયેલી પેટ્રોલ પંપ લૂંટ અને ફાયરિંગના ગંભીર ગુનામાં વોન્ટેડ હતો. PCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી તેને ઝડપી પાડ્યો છે.

આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ, વર્ષ 2001માં ઉધના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની હતી. આ દરમિયાન આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પેટ્રોલ પંપના મેનેજરનું મોત થયું હતું. આ ગંભીર ગુનામાં મિથિલેશ ભૂમિહાર પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આ ઉપરાંત લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ સહિતના અન્ય ગંભીર ગુનાઓમાં પણ આરોપીની સંડોવણી સામે આવી હતી. અગાઉના એક ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપી કોર્ટમાં હાજર થયો ન હતો. જેના પગલે તેની વિરુદ્ધ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી આરોપી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ રહેતો હતો અને પોલીસથી બચતો ફરતો હતો.

પોલીસ માટે આરોપીને ઝડપી પાડવો પડકારરૂપ હતો

સુરત PCBને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી હતી કે આરોપી ઝારખંડના પલામુ જિલ્લાના સીરમ ટોલા વિસ્તારમાં રહે છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત હોવાથી પોલીસ માટે આરોપીને ઝડપી પાડવો પડકારરૂપ હતો. આરોપીની ધરપકડ માટે PCBના ASI હસમુખભાઈ અને HC અશોકભાઈએ ખાસ રણનીતિ બનાવી હતી. બંને પોલીસકર્મીઓ પોસ્ટમેનનો વેશ ધારણ કરીને ટપાલ પહોંચાડવાના બહાને આરોપીના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તક મળતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ઝારખંડમાંથી ધરપકડ કર્યા બાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઉધના પોલીસને સોંપવામાં આવ્યો છે. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરી અન્ય ગુનાઓ અને તેની લાંબા સમયથી ફરાર રહેવાની વિગતો અંગે તપાસ કરશે. PCBના જણાવ્યા મુજબ, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 10 વર્ષથી વધુ સમયથી ફરાર રહેલા 56 ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં 16 ઈનામી આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Surat: સિંગણપોરમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગના 3 આરોપી ઝડપાયા, 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.