Surat: સિંગણપોરમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગના 3 આરોપી ઝડપાયા, 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત


Surat: સિંગણપોરમાં મોબાઈલ સ્નેચિંગ ગેંગના 3 આરોપી ઝડપાયા, 6.10 લાખનો મુદ્દામાલ જપ્ત


Surat: સુરતના સિંગણપોર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સિંગણપોર-ડભોલી પોલીસે કાર્યવાહી કરીને ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ 58 મોબાઇલ ફોન અને એક બાઈક સહિત રૂ.6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
50થી વધુ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો
પકડાયેલા આરોપીઓમાં રોહિત યાદવ, સત્યમ ઝા અને મોબાઈલ દુકાનદાર રમેશકુમાર પ્રજાપતિનો સમાવેશ થાય છે. પોલીસે રોહિત યાદવ પાસેથી ત્રણ મોબાઈલ ફોન તેમજ નંબર પ્લેટ વગરની Yamaha MT-15 બાઈક કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન છેલ્લા દોઢ મહિનામાં 50થી વધુ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
55 મોબાઈલ ફોન મળી આવ્યા
પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન નવનાથના ખાડા વિસ્તારમાં આવેલી મહાદેવ મોબાઈલ શોપમાં વેચવામાં આવતા હતા. પોલીસે મોબાઇલ દુકાન પર તપાસ હાથ ધરતા ત્યાંથી વધુ 55 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ તમામ મોબાઈલ પોલીસે કબજે કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, ચોરાયેલા મોબાઈલ ફોનમાંથી સ્પેર પાર્ટ્સ કાઢવામાં આવતા હતા અને બાદમાં આ પાર્ટ્સ અન્ય મોબાઈલ ફોનમાં લગાવીને વેચવામાં આવતા હતા. સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મોબાઈલ દુકાનદારની ભૂમિકા પણ સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલો અર્જુન યાદવ નામનો આરોપી હાલ ફરાર છે. પોલીસ તપાસમાં તે પલસાણાના જોળવા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
સિંગણપોર-ડભોલી પોલીસે સમગ્ર મામલે BNSની કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા મોબાઈલ ફોન અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આ ગેંગ દ્વારા અન્ય કેટલા મોબાઇલની ચોરી કરવામાં આવી હતી તથા ચોરીના મોબાઇલ ક્યાં-ક્યાં વેચવામાં આવ્યા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Gujaratના 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, આગામી 3 કલાકમાં ભારે વરસાદની શક્યતા





