Sabarkantha : હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક, ખેડૂતોને રૂપિયા 2,070 સુધીના ભાવ મળ્યા


Sabarkantha
Sabarkantha : હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક, ખેડૂતોને રૂપિયા 2,070 સુધીના ભાવ મળ્યા


Sabarkantha
Sabarkantha : સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. મગફળીની ખરીદી માટે ખેડૂતોની સાથે વેપારીઓ પણ મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે. મગફળીના ભાવની વાત કરીએ તો ગુણવત્તા પ્રમાણે ખેડૂતોને પ્રતિ મણ 1600થી 2070 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. તો બીજી તરફ, મગફળીની આવક વધતાં માર્કેટયાર્ડના શેડ પણ ભરાઈ ગયા છે. ત્યારે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે માર્કેટયાર્ડ દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
14 સપ્ટેમ્બરથી મગફળીની આવક શરૂ થઈ
હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 14 સપ્ટેમ્બરથી મગફળીની આવક શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 3 લાખ 2 હજાર 630 બોરી મગફળીની આવક નોંધાઈ છે. જ્યારે હાલ દરરોજ અંદાજે 30 હજાર બોરી મગફળી માર્કેટયાર્ડમાં આવી રહી છે. મગફળીના ભાવની વાત કરીએ તો, હાલ ગુણવત્તા પ્રમાણે પ્રતિ મણ 1600થી 2070 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જ્યારે અગાઉ મગફળીનો ઊંચામાં ઊંચો ભાવ 2200 રૂપિયા સુધી નોંધાયો હતો. સારા ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
માર્કેટયાર્ડના તમામ શેડ ભરાઈ ગયા
મગફળીની આવકમાં વધારો થતાં માર્કેટયાર્ડના તમામ શેડ ભરાઈ ગયા છે. જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વૈશાલી સિનેમા પાસેના ગ્રાઉન્ડમાં પણ મગફળી ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને ટોકન પદ્ધતિથી માર્કેટયાર્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો માટે ભોજન, ચા-નાસ્તો અને રાત્રિ રોકાણની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની આવક અને હરાજીની કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોડાસા APMCમાં આજે મગફળીનો સૌથી ઊંચો ભાવ 1,902 રૂપિયા
બીજી તરફ અરવલ્લીની મોડાસા APMCમાં મગફળીના ભાવમાં તેજી જોવા મળી છે. મોડાસા APMCમાં આજે મગફળીનો સૌથી ઊંચો ભાવ 1,902 રૂપિયા મળ્યો છે તો મગફળીનો નીચો ભાવ રૂપિયા 1,720 રહ્યો છે. APMCના ચેરમેન પંકજભાઈ પટેલ ખેડૂતોને સારો ભાવ મળે તે માટે હરાજીમાં જોડાયા હતા. સરકારના ટેકાના ભાવ રૂપિયા 1,503ની સામે ખુલ્લા બજારમાં ઊંચા ભાવ મળતાં ખેડૂતો APMCમાં મગફળી વેચવા પહોંચે છે. મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : Gandhinagar : મનપાના નવા મેયર માટે ભાજપમાં કવાયત તેજ, આ ત્રણ નામ છે ચર્ચામાં





