Get News Alerts

Never miss breaking news updates.

Navsari : વાંસદાના ભીનાર ગામે 3 વર્ષના બાળક પર હુમલો કરનાર દીપડી પાંજરે પુરાઈ, 9 દિવસની શોધખોળનો અંત

Navsari : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ત્રણ વર્ષના માસૂમ બાળક આરવ પટેલ પર જીવલેણ હુમલો કરનાર દીપડી આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 04:08 PM IST
Navsari : વાંસદાના ભીનાર ગામે 3 વર્ષના બાળક પર હુમલો કરનાર દીપડી પાંજરે પુરાઈ, 9 દિવસની શોધખોળનો અંતNavsari : વાંસદાના ભીનાર ગામે 3 વર્ષના બાળક પર હુમલો કરનાર દીપડી પાંજરે પુરાઈ, 9 દિવસની શોધખોળનો અંત

Navsari

Navsari : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ત્રણ વર્ષના માસૂમ બાળક આરવ પટેલ પર જીવલેણ હુમલો કરનાર દીપડી આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે. સતત નવ દિવસની સઘન શોધખોળ અને તકેદારી બાદ દીપડી પકડાતાં ભીનાર ગામ સહિત આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી

મળતી માહિતી મુજબ, ગત 5 ઓક્ટોબરના રોજ ભીનાર ગામમાં ઘરની બહારથી ત્રણ વર્ષના આરવ પટેલને દીપડી ઉઠાવી ગઈ હતી. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. બાદમાં જંગલ વિસ્તારમાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, જ્યારે સમગ્ર ગામમાં દીપડાનો ભય વ્યાપી ગયો હતો.

12થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે દીપડીને પકડવા માટે વ્યાપક કામગીરી હાથ ધરી હતી. જંગલ વિસ્તારમાં 12થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દીપડીની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા અને CCTV કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી. વન વિભાગની ટીમ સતત તકેદારી રાખીને દીપડીને પકડવાના પ્રયાસો કરી રહી હતી.

દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

આખરે નવ દિવસની મહેનત બાદ આજે વહેલી સવારે દીપડી પાંજરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડીનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ દીપડીની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. વાંસદા પૂર્વ રેન્જના RFO કિંજલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માસૂમ આરવના મોતથી શોકમાં ડૂબેલા ભીનાર ગામના લોકો માટે દીપડી પકડાવાની ઘટના રાહતરૂપ બની છે. જોકે, આ કરુણ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર અને માનવ-વન્યજીવ સંઘર્ષ અંગે ફરી ચિંતા ઊભી કરી છે.

આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક, ખેડૂતોને રૂપિયા 2,070 સુધીના ભાવ મળ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.