Mehsana-Kadiમાં પશુ આહારના ખોળના ગોડાઉનોમાં તપાસ, 1.57 લાખથી વધુ બોરીના જથ્થાની ચકાસણી


Mehsana
Mehsana-Kadiમાં પશુ આહારના ખોળના ગોડાઉનોમાં તપાસ, 1.57 લાખથી વધુ બોરીના જથ્થાની ચકાસણી


Mehsana
Mehsana : મહેસાણા જિલ્લામાં પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાતા ખોળના ગોડાઉનોમાં તપાસ હાથ ધરવામાં આવતાં પશુ આહારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સૂચના બાદ મહેસાણા અને કડી તાલુકામાં આવેલા ચાર ગોડાઉનોમાં વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન હજારો બોરી ખોળના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી અને ચારેય સ્થળેથી કુલ 12 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ચાર ગોડાઉનોમાં સંયુક્ત તપાસ
મળતી માહિતી મુજબ, મહેસાણા પશુપાલન વિભાગ, ફૂડ વિભાગ, મામલતદાર કચેરી અને પોલીસની ટીમોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી. કડી તાલુકાના અલદેસણ અને નગરાસણ ખાતે ત્રણ સ્થળે તપાસ કરવામાં આવી હતી, જ્યારે મહેસાણા તાલુકાના લીંચ નજીક આવેલા વેરહાઉસમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. તપાસ કરવામાં આવેલા વેરહાઉસ એનસીડીઈએક્સ (NCDEX) હસ્તકનાં હોવાનું જાણવા મળ્યું છે.
લાખો બોરી ખોળના જથ્થાની ચકાસણી
તપાસ દરમિયાન વિવિધ વેરહાઉસમાં સંગ્રહિત ખોળના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભવ્ય વેરહાઉસમાંથી 14,000 બોરી, અમીના વેરહાઉસમાંથી 10,000 બોરી અને શુભમ વેરહાઉસમાંથી 5,000 બોરી ખોળની તપાસ કરવામાં આવી હતી. જ્યારે લીંચ નજીક આવેલા એલટીસી (LTC) વેરહાઉસમાંથી અંદાજે 1.28 લાખ બોરી ખોળના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. આમ, ચારેય સ્થળોએ મળીને કુલ 1.57 લાખથી વધુ બોરી ખોળના જથ્થાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુણવત્તા અને અન્ય બાબતોની ચકાસણી માટે આશરે 12 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ મામલામાં તંત્રની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની
પશુ આહારના ખોળના આ વિશાળ જથ્થાની તપાસને પગલે કરોડો રૂપિયાના વેપાર સાથે સંકળાયેલા આ મામલામાં તંત્રની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની છે. હવે લેવામાં આવેલા સેમ્પલના અહેવાલ બાદ જ ખોળની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. પશુપાલન વિભાગની આ કડક કાર્યવાહીથી પશુ આહારના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ચર્ચા અને ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Jamnagar : થાર કારથી i20 કારનો પીછો કરી પાછળથી જીવલેણ ટક્કર મારવાનો કેસ, 3 આરોપી ઝડપાયા





