Gandhinagar News: કોંગ્રેસે અનેક વખત સંવિધાનની હત્યા કરી: ડોક્ટર અનિલ પટેલ

Gandhinagar News: ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે સંવિધાન અને લોકશાહીના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કલમ 356ના દુરુપયોગ સહિતના આક્ષેપો કર્યા.
Kunjan Shukal
Kunjan Shukal
અનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારઅનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અનિલ પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Gandhinagar News: ગાંધીનગરમાં સંવિધાનની રક્ષા અને લોકશાહીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં આક્ષેપ કર્યો છે કે આઝાદી બાદ કોંગ્રેસે અનેક વખત સંવિધાનની હત્યા કરી છે અને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરીને લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે.

કોંગ્રેસનું રાજકારણ ફિલ્મના પાત્રો જેવું

ડૉ. અનિલ પટેલે કોંગ્રેસની સરખામણી બોલિવૂડ ફિલ્મ 'ચોર મચાયે શોર'ના પાત્રો બંટી અને બબલી સાથે કરી હતી. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું રાજકારણ આ ફિલ્મના પાત્રો જેવું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આઝાદી પછી અનેક ચૂંટણીઓમાં અને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને ભારતીય બંધારણની કલમ 356નો દુરુપયોગ કરીને બરખાસ્ત કરી હતી. આ રીતે ચૂંટાયેલી સરકારોનું પતન કરાવીને કોંગ્રેસે લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસે આઝાદી બાદથી વર્ષ 2014 સુધી સતત દેશને લૂંટવાનું કામ કર્યું

ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 1885માં મિસ્ટર હ્યુમ નામના અંગ્રેજ દ્વારા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. તેમના આક્ષેપ મુજબ, આઝાદી બાદથી વર્ષ 2014 સુધી કોંગ્રેસે સતત દેશને લૂંટવાનું કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારના પતનનો ઉલ્લેખ કર્યો હતો. ડૉ. અનિલ પટેલે આક્ષેપ કર્યો હતો કે ઓડિશાના તત્કાલીન મુખ્યમંત્રી ગિરધર ગોમાંગે લોકસભામાં મતદાન કરીને વાજપેયી સરકારને પાડી હતી. તેમણે આ મતદાનને ગેરકાયદે ગણાવ્યું હતું.

સંવિધાનની રક્ષાના મુદ્દે કોંગ્રેસને ઘેરતાં ડૉ. અનિલ પટેલે તેના શાસનકાળ દરમિયાન થયેલી રાજકીય ઘટનાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો: Panchmahal News: ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ગોધરાની દર્શન કેફેને સીલ મારવામાં આવ્યું