Panchmahal News: ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ગોધરાની દર્શન કેફેને સીલ મારવામાં આવ્યું


પંચમહાલમાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો
Panchmahal News: ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, ગોધરાની દર્શન કેફેને સીલ મારવામાં આવ્યું


પંચમહાલમાં ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો
Panchmahal News: પંચમહાલ જિલ્લામાં હાઈવે પર આવેલી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ગોધરામાં લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર ધમધમતી દર્શન કેફેને સીલ કરવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીથી હાઈવે પર હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું
મુસાફરોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને તેમને શુદ્ધ, સુરક્ષિત તથા ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓની ટીમે અત્યાર સુધીમાં જિલ્લામાં આવેલી કુલ 8 હોટેલ્સ અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ગોધરાની દર્શન કેફે લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર કાર્યરત હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા કેફેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થોના કુલ 13 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને ગુણવત્તાની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
નિયમોનો ભંગ કરનાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગે હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે. ખાસ કરીને રસોડામાં કામ કરતા કર્મચારીઓ માટે હેડ કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોઝ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ખોરાક બનાવતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. હવે ખાદ્ય પદાર્થોના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમોનો ભંગ કરનાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાઈવે પર પ્રવાસીઓને સુરક્ષિત ભોજન મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat: RERAનો મોટો નિર્ણય, હવે ઘર ખરીદતા પહેલાં ગ્રાહકો જાણી શકશે બિલ્ડરનો ભૂતકાળ




