Amreli News: જાફરાબાદમાં સિંહનો આધેડ પર હુમલો, પશુપાલકોમાં ભારે ફફડાટ


જાફરાબાદમાં સિંહનો આધેડ પર હુમલો
Amreli News: જાફરાબાદમાં સિંહનો આધેડ પર હુમલો, પશુપાલકોમાં ભારે ફફડાટ


જાફરાબાદમાં સિંહનો આધેડ પર હુમલો
Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં સિંહના હુમલાની ઘટના સામે આવી છે. જાફરાબાદના કોબલીની વાવ વિસ્તારમાં પશુઓ ચરાવવા ગયેલા આધેડ પર સિંહે અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલામાં લોહીલુહાણ થયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હુમલામાં આધેડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ, કોબલીની વાવ વિસ્તારમાં શિનુભાઈ દેવાભાઈ બારૈયા પશુઓ ચરાવવા ગયા હતા. તે દરમિયાન સિંહે તેમના પર હુમલો કર્યો હતો. શિનુભાઈના ભત્રીજાના જણાવ્યા અનુસાર, સિંહ પાછળથી આવ્યો હતો અને અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં આધેડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી ઘાયલ શિનુભાઈને તાત્કાલિક જાફરાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. RFO જિજ્ઞાશા છેતરાણીયાની આગેવાની હેઠળ વનવિભાગે હુમલાખોર સિંહનું લોકેશન મેળવવા માટે સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ શરૂ કર્યું છે. વનવિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સિંહનું ચોક્કસ લોકેશન મળી આવ્યા બાદ તેને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાને પગલે દરિયાકાંઠાના વિસ્તારના પશુપાલકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે. પશુઓ ચરાવવા જતાં લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વનવિભાગ સમક્ષ હુમલાખોર સિંહને વહેલી તકે પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.




