Surat News: બારડોલી સામૂહિક હત્યા કેસમાં મોટો ખુલાસો, વીમાના રૂપિયા 70 લાખની તકરારમાં પરિવારની હત્યાનો આરોપ


બારડોલી સામૂહિક હત્યા કેસમાં મોટો ખુલાસો
Surat News: બારડોલી સામૂહિક હત્યા કેસમાં મોટો ખુલાસો, વીમાના રૂપિયા 70 લાખની તકરારમાં પરિવારની હત્યાનો આરોપ


બારડોલી સામૂહિક હત્યા કેસમાં મોટો ખુલાસો
Surat News: બારડોલીના સેજવાડ ગામની સીમમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારનું અપહરણ કરી કેનાલમાં ફેંકી હત્યા કરવાના ચકચારી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. બારડોલી પોલીસે આ કેસમાં દયાનંદ ઉર્ફે ખાંડીયાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર હત્યાકાંડ પાછળ રૂપિયા 70 લાખના વીમાના નાણાકીય વિવાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
View post on Instagram
મુખ્ય સૂત્રધારનો ભાઈ જેલમાં હોવાનું જાણવા મળ્યું
મળતી માહિતી મુજબ, મૃતક કવિતાબાઈના પૂર્વ પતિ સંજય પાટીલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. આ મોત બાદ વીમાની રકમને લઈને વિવાદ ઊભો થયો હતો. અંદાજે રૂપિયા 70 લાખના વીમાના નાણાંને લઈને મહારાષ્ટ્રના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ નાણાકીય તકરાર અંગે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં મુખ્ય સૂત્રધારનો ભાઈ છેલ્લા સાતથી આઠ મહિનાથી જેલમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, વીમાની રકમને લઈને ચાલી રહેલી તકરારનો અંત ન આવતાં મુખ્ય સૂત્રધાર દયાનંદે બંટી અને આભા સહિતના લોકો સાથે મળીને કવિતાબાઈના પરિવારને નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હોવાની આશંકા છે. પરિવારની નજીકનો હોવાથી દયાનંદને પણ આ કાવતરામાં સામેલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બારડોલી ગ્રામ્ય પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ પોલીસની પણ મદદ લીધી
ત્યારબાદ મહારાષ્ટ્રના પરિવારને બારડોલીના સેજવાડ ગામની સીમમાં લાવવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યોને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ પરિવારમાં 45 વર્ષીય કવિતા, તેમના બીજા પતિ નીતિન, બે વર્ષનો પુત્ર પ્રથમેશ, 16 વર્ષનો હરીશ, 13 વર્ષનો કરણ અને નવ વર્ષની સ્વીટીનો સમાવેશ થાય છે. પોલીસને અગાઉ કવિતા, નીતિન અને સ્વીટીના મૃતદેહ મળ્યા હતા. હવે બે વર્ષના પ્રથમેશનો મૃતદેહ પણ મળી આવ્યો છે. 13 વર્ષીય બાળકનો આ ઘટનામાં બચાવ થયો છે, જ્યારે 16 વર્ષીય બાળકની શોધખોળ હજુ ચાલુ છે.
આ કેસની તપાસમાં બારડોલી ગ્રામ્ય પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ પોલીસની પણ મદદ લીધી છે. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન અને પોલીસ અધિકારી વચ્ચેની વાતચીત પણ સામે આવી છે, જેમાં બોગસ ઈન્સ્યોરન્સ કૌભાંડની વિગતો અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ સમગ્ર હત્યાકાંડના નાણાકીય અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.




