જાપાનમાં ફરી ભૂકંપના આંચકા: ઇવાતે પ્રાંતમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ



ફાઈલ ફોટો
જાપાનમાં ફરી ભૂકંપના આંચકા: ઇવાતે પ્રાંતમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ



ફાઈલ ફોટો
ટોક્યો: ઉત્તર-પૂર્વીય જાપાનના ઇવાતે પ્રાંતમાં રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે 5:21 વાગ્યે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાન હવામાન વિભાગ (JMA)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ઇવાતેના પૂર્વીય દરિયાકિનારાથી આશરે 40 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપની અસર જાપાનના સિસ્મિક સ્કેલ પર 5થી ઓછી તીવ્રતાની નોંધાઈ હતી.
સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ઉપરાંત આઓમોરી સ્થિત હિગાશિડોરી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ અને મિયાગી પ્રાંતના ઓનાગાવા ન્યૂક્લિયર પાવર કોમ્પ્લેક્સમાં પણ કોઈ તકનીકી ખામી નોંધાઈ નથી.
ભૂકંપનું કેન્દ્ર 40.2 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 142.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જાપાનમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં આ જ વિસ્તારમાં 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ટોક્યો નજીક પણ 5.6 અને 5.8ની તીવ્રતાના બે ભૂકંપ નોંધાયા હતા, જેના આંચકા રાજધાની સુધી અનુભવાયા હતા.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જાપાન 'રિંગ ઑફ ફાયર' વિસ્તારમાં આવેલો હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય છે. જોકે સતત આવી રહેલા ભૂકંપોને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.




