Putin Praises Make in India: પુતિને 16 વર્ષના ભારતીય AI ઇનોવેટર સાથે કરી ખાસ વાતચીત, PM મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનનાં કર્યા વખાણ

Putin Praises Make in India: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં 16 વર્ષીય ભારતીય AI ઇનોવેટર રાઉલ જોન અજૂ સાથે ખાસ વાતચીત કરી હતી.
Nisha Parmar
Nisha Parmar
Vladimir Putin meets Indian AI innovator Raul John Aju પુતિનVladimir Putin meets Indian AI innovator Raul John Aju પુતિન

Vladimir Putin meets Indian AI innovator Raul John Aju પુતિન

Putin Praises Make in India: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં 16 વર્ષીય ભારતીય AI ઇનોવેટર રાઉલ જોન અજૂ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનનાં વખાણ કરતાં કહ્યું કે, આ પહેલ યુવાનોને પોતાના ઉકેલો વિકસાવવા અને તેને વાસ્તવિકતામાં બદલવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વાતચીત ‘જર્ની ટુ ધ વર્લ્ડ ઑફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સંમેલનના પૂર્ણ સત્રના અંતે થઈ હતી.

પુતિને AI અને શિક્ષણ અંગે પૂછ્યો સવાલ

સંમેલન દરમિયાન પુતિને રાઉલ જોન અજૂને પૂછ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વધતો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા માટે જોખમ બની શકે છે કે કેમ? તેના જવાબમાં અજૂએ કહ્યું કે, AI પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાને બદલે તેની સાથે મળીને કામ કરવાની જરૂર છે. શિક્ષણમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ સંતુલિત રીતે થવો જોઈએ.

કેલ્ક્યુલેટરનું ઉદાહરણ આપીને સમજાવી વાત

અજૂએ પોતાની વાત સમજાવવા માટે કેલ્ક્યુલેટરનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શીખવાની ક્ષમતા વધારતા પહેલાં વિદ્યાર્થીઓએ વિષયની પાયાની સમજ વિકસાવવી જોઈએ. મૂળભૂત બાબતો સમજ્યા પછી જ AI જેવા સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે.

AI નવા વિચારો શોધવામાં મદદરૂપ બની શકે છે

અજૂના જણાવ્યા અનુસાર, જ્યારે વ્યક્તિને શીખવાની અને યાદ રાખવાની મૂળભૂત સમજ હોય ત્યારે AI શિક્ષણમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. AIની મદદથી નવા વિચારો શોધી શકાય છે, નવી બાબતોના અર્થ સમજી શકાય છે અને ડેટા એકત્રિત કરવા સહિતનાં અનેક કામ કરી શકાય છે. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે AI હંમેશાં ફાયદાકારક જ હોય એવું નથી. તેથી તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.

પુતિને ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન સાથે જોડ્યું અજૂનું કામ

અજૂની વાત સાંભળ્યા બાદ પુતિને તેમના કામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન સાથે જોડ્યું હતું. પુતિને કહ્યું હતું કે, અજૂનું કામ આ અભિયાનને સાકાર કરવામાં મદદરૂપ બને છે, કારણ કે તે યુવાનોને પોતાના ઉકેલો શોધવા અને તેનો અમલ કરવા માટે પ્રેરિત કરે છે. પુતિનનાં આ નિવેદનથી ભારતીય યુવા પ્રતિભા અને નવીનતાને આંતરરાષ્ટ્રીય મંચ પર મળેલું મહત્ત્વ પણ સામે આવ્યું છે.

અજૂએ સોશિયલ મીડિયા પર શેર કરી મુલાકાતની તસવીરો

રશિયાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત અંગે અજૂએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. તેમણે પુતિન સાથેની સેલ્ફી અને બંને હાથ મિલાવતા હોય એવો વીડિયો શેર કર્યો હતો. આ મુલાકાત તેમના માટે યાદગાર ક્ષણ બની હતી.

9 વર્ષની ઉંમરથી શરૂ થયો હતો સફર

પોતાની સફર યાદ કરતાં અજૂએ જણાવ્યું હતું કે, 9 વર્ષની ઉંમરે બાથરૂમમાં પહેલો વીડિયો બનાવવાથી લઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે સેલ્ફી લેવા સુધીની સફર વિશે તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તેમણે કહ્યું કે, અત્યાર સુધીની સિદ્ધિઓ કરતાં આ સફરે તેમને વધુ સારો માણસ બનાવ્યો છે તે બાબત માટે તેઓ વધારે આભારી છે.

અજૂએ વધુમાં જણાવ્યું કે, ‘AI જર્ની’ સંમેલનમાં પોતાનાથી વધુ જાણકાર અને પ્રતિભાશાળી લોકોને મળીને તેમને સમજાયું કે હજુ ઘણું શીખવાનું બાકી છે. આ સફરમાં સાથ આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, તેઓ આજે પણ એક જિજ્ઞાસુ બાળક છે, પરંતુ હવે તેમની પાસે સંભળાવવા માટે કેટલીક નવી કહાનીઓ છે.

આ પણ વાંચો : Bhagavad Gita Jayanti: ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યું હતું દિવ્ય જ્ઞાન!