Karachi Building Collapse: પાકિસ્તાનના કરાચીમાં 6 માળની ઈમારત ધરાશાયી, 5થી વધુના મોત


Karachi Building Collapse: કરાચીમાં 6 માળની ઈમારત ધરાશાયી
Karachi Building Collapse: પાકિસ્તાનના કરાચીમાં 6 માળની ઈમારત ધરાશાયી, 5થી વધુના મોત


Karachi Building Collapse: કરાચીમાં 6 માળની ઈમારત ધરાશાયી
Karachi Building Collapse: પાકિસ્તાનના કરાચીમાં 6 માળની ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં 5થી વધુના મોત થયા છે. શુક્રવારે કાટમાળમાંથી વધુ 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 14 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બુધવારે કરાચીની એડમિનિસ્ટ્રેશન હાઉસિંગ સોસાયટીમાં આ ઈમારત ધરાશાયી થઈ હતી. ત્યારથી બચાવ ટુકડીઓ સતત કાટમાળ હટાવીને તેમાં ફસાયેલા લોકોને શોધી રહી છે.
રેસ્ક્યૂ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે બે ટીમ હજુ પણ કાર્યરત છે. કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પરંતુ દુર્ઘટના સમયે ઈમારતમાં કેટલા લોકો હાજર હતા તેની ચોક્કસ માહિતી મળી નથી. કાટમાળમાં કેટલાક અન્ય મૃતદેહો હોવાની શક્યતા ધરાવતા સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને ત્યાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
ઈમારતના માલિકો સામે FIR નોંધાઈ
પોલીસે ઈમારતના માલિકો વિરુદ્ધ FIR નોંધી છે. તેમના પર હલકી ગુણવત્તાની બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવાનો અને મંજૂર થયેલા બિલ્ડિંગ પ્લાનનું પાલન ન કરવાનો આરોપ છે. ઈમારતનો માલિક અને બિલ્ડર બુધવારથી ફરાર હોવાનું જણાવાયું છે.
આ ઘટના બાદ સિંધ પ્રાંતની સરકારે બેદરકારીના આરોપને કારણે સિંધ બિલ્ડિંગ કંટ્રોલ ઓથોરિટીના વડાને પદ પરથી હટાવી દીધા છે. મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ઈમારતની આસપાસ ગેરકાયદે બાંધકામને નજરઅંદાજ કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આ દરમિયાન કરાચી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ જ સોસાયટીમાં નિર્માણાધીન અન્ય 14 ઈમારતને સીલ કરી દીધી છે. આ ઈમારતોને ગેરકાયદે ગણાવવામાં આવી છે અને તેમને તોડી પાડવાની વાત પણ કરવામાં આવી છે.
કરાચીમાં અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટનાઓ
કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનના આંકડા અનુસાર, છેલ્લા 20 વર્ષમાં ગેરકાયદેસર બાંધકામ અને જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની 45થી વધુ ઘટનાઓ બની છે. આ દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 160 લોકોનાં મોત થયાં છે.
માર્ચ 2020માં ગોલીમારની રિઝવિયા સોસાયટીમાં 5 માળની ઈમારત ધરાશાયી થતાં 27 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ જૂન 2020માં લિયારીના ખડ્ડા માર્કેટ વિસ્તારમાં પણ આવી જ દુર્ઘટના બની હતી, જેમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા.




