રાજકોટ SOGની ડ્રગ્સ માફિયા પર કાર્યવાહી: 37.51 ગ્રામ મેફેડ્રોન સાથે 24 વર્ષીય યુવક ઝડપાયો


રાજકોટ SOGની ડ્રગ્સ માફિયા પર કાર્યવાહી: 37.51 ગ્રામ મેફેડ્રોન સાથે 24 વર્ષીય યુવક ઝડપાયો


Rajkot SOG Mephedrone Drug Seizure: રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 37.51 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 24 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ ₹1,17,530નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે અગાઉ પણ NDPS કેસમાં ઝડપાયેલો ભાવેશ ઉર્ફે મીની રાજુભાઈ મશરૂ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ આવેલી સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ નજીક ડ્રગ્સનો જથ્થો લઈને આવવાનો છે. આ માહિતીના આધારે SOGની ટીમે સ્થળ પર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ હાથમાં બાંધેલા ગરમ પટ્ટામાં છુપાવેલું 37.51 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની અંદાજિત કિંમત ₹1,12,530 થાય છે, તે મળી આવ્યું હતું.
પોલીસે ડ્રગ્સ ઉપરાંત ₹5,000નો મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ ₹1.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.




