ગુજરાતના શહેરોના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, ₹3,850 કરોડની ફાળવણી


ગુજરાતના શહેરોના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, ₹3,850 કરોડની ફાળવણી


Gujarat Urban Development: ગુજરાતના શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિવિધ વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કુલ ₹3,850 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ ફાળવણીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ તેમજ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરી સુવિધાઓ માટે ₹3,240 કરોડ
રાજ્યના શહેરોમાં રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹3,240 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી શહેરોમાં ચાલી રહેલા વિકાસ કામોને વેગ મળવાની સાથે નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની કામગીરી પણ ઝડપી બનશે.
17 મહાનગરપાલિકાઓને ₹2,962 કરોડ
રાજ્યની 17 મહાનગરપાલિકાઓ માટે કુલ ₹2,962 કરોડ ફાળવવામાં આવ્યા છે. ફાળવણીમાં અમદાવાદ મહાનગરપાલિકાને ₹870 કરોડ અને સુરત મહાનગરપાલિકાને ₹770 કરોડ મળવાના છે. અન્ય મહાનગરપાલિકાઓમાં વડોદરાને ₹285 કરોડ, રાજકોટને ₹232 કરોડ, ભાવનગર અને જામનગરને ₹105-105 કરોડ, જ્યારે જૂનાગઢ અને ગાંધીનગરને ₹95-95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબીને ₹45-45 કરોડ ફાળવવામાં આવ્યા છે.
152 નગરપાલિકાઓ માટે ₹846 કરોડ
મહાનગરપાલિકાઓ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓના વિકાસ માટે ₹846 કરોડ ફાળવવામાં આવ્યા છે. નગરપાલિકાની કેટેગરી, વસ્તી અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ રકમનું વિતરણ કરવામાં આવશે. આ ફાળવણીથી નાના અને મધ્યમ શહેરોમાં પણ નાગરિકોને જરૂરી શહેરી સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ કરાવવાના વિકાસ કાર્યોને ગતિ મળશે.
શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ
રાજ્ય સરકારની આ ફાળવણીનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોમાં વિકાસની ગતિ વધારવાનો અને નાગરિકોને વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. રોડ, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ ઉપરાંત વિવિધ શહેરી વિકાસ કાર્યોમાં પણ આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે.




