વિકસિત ભારત માટે નશામુક્ત યુવા જરૂરી: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવાનોને સંદેશ


AI Generated Images
વિકસિત ભારત માટે નશામુક્ત યુવા જરૂરી: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવાનોને સંદેશ


AI Generated Images
Drug Free Youth Campaign Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા શપથ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ અભિયાનનો રાજ્યસ્તરીય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોને નશા સામે લડતનું નેતૃત્વ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે નશામુક્ત, સ્વસ્થ અને જાગૃત યુવા પેઢી જ વિકસિત ભારતના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન દ્વારા દેશભરના યુવાનોને નશામુક્ત ભારતના સંકલ્પ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને ‘નશામુક્ત યુવા – વિકસિત ભારત’નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ભારત માત્ર વિકસિત દેશ જ નહીં પરંતુ નશામુક્ત રાષ્ટ્ર પણ બનવું જોઈએ. તેમણે યુવાનોને નશાથી દૂર રહી પર્યાવરણ સંરક્ષણ, જળ બચાવ, વડીલોનો આદર અને રાષ્ટ્રસેવા જેવા સકારાત્મક કાર્યો તરફ આગળ વધવાની અપીલ કરી હતી. તેમણે કુદરતી ખેતી અંગે પણ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં લાખો ખેડૂતો કુદરતી ખેતી અપનાવી રહ્યા છે, જેનાથી જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને લાભ મળી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ‘ડ્રગ-ફ્રી યુથ ફોર વિકસિત ભારત પ્રતિજ્ઞા અભિયાન’ને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો. આ અભિયાનમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને લાખો યુવાનો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન નશાના દૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે ફિલ્મ પ્રદર્શન અને નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.




