ધ્રોલમાં હથિયાર સાથે શખ્સ ઝડપાયો, મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા તાર



ધ્રોલમાં હથિયાર સાથે શખ્સ ઝડપાયો, મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા તાર



જામનગર જામનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધની કાર્યવાહીમાં વધુ એક મોટી સફળતા મળી છે. ધ્રોલ તાલુકામાં ગોઠવાયેલા ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે એક શખ્સને ગેરકાયદેસર પિસ્ટલ અને જીવતા કાર્ટીશ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી હથિયાર, કાર્ટીશ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 30,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટિયા પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ચુસ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરાબેલા ગામના રહેવાસી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તલાશી દરમિયાન આરોપી પાસેથી રૂ. 25 હજારની કિંમતની દેશી પિસ્ટલ, એક જીવતો કાર્ટીશ તેમજ રૂ. 5 હજારનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 30,100નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ હથિયાર મધ્યપ્રદેશના અનિલ ભુરીયા નામના વ્યક્તિ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેના આધારે હવે જામનગર LCB દ્વારા હથિયાર સપ્લાય ચેઇન અને તેના નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને નાથવા માટે તપાસના વિવિધ પાસાઓ પર કામ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશ કનેક્શન સામે આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
આ અંગે જામનગરના DySP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપી પાસેથી ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીશ મળી આવ્યા છે અને હથિયાર ક્યાંથી અને કયા હેતુસર લાવવામાં આવ્યું હતું તે સહિતની બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.




