અમદાવાદના બલોલનગર જી-બ્રિજ પર ફરી ગંભીર અકસ્માત: એક મહિનામાં ત્રીજી ઘટના



AI Image
અમદાવાદના બલોલનગર જી-બ્રિજ પર ફરી ગંભીર અકસ્માત: એક મહિનામાં ત્રીજી ઘટના



AI Image
અમદાવાદ: બલોલનગર વિસ્તારમાં આવેલા જી-બ્રિજ પર ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક મહિનાની અંદર આ બ્રિજ પર ત્રીજો અકસ્માત બનતા સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અકસ્માતમાં બાઈક ચાલક બ્રિજની પાળીએ અથડાઈ નીચે પટકાયો હતો, જેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજ પર આવેલું જોખમી વળાંક સતત અકસ્માતોનું કારણ બની રહ્યું છે. મોડીરાત્રે બનેલા આ અકસ્માત બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
રહેવાસીઓનો આક્ષેપ છે કે બ્રિજ પર સુરક્ષા માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં હજુ સુધી રેલિંગ, સ્પીડ બ્રેકર કે ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નથી. સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પર અગાઉ પણ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને કેટલાક સુસાઇડના બનાવો પણ નોંધાયા છે.
સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો વારંવાર અકસ્માતોની સ્થિતિ સર્જાત નહીં. લોકો હવે બ્રિજ પર તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે પ્રશાસન સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે, “આખરે તંત્ર ક્યારે જાગશે?”




