કચ્છમાંથી ISIS વિચારધારા ફેલાવનાર શખસ ઝડપાયો



કચ્છમાંથી ISIS વિચારધારા ફેલાવનાર શખસ ઝડપાયો



ભુજ: Bhuj તાલુકાના લોડાઈ ગામમાંથી સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક અને રાષ્ટ્રવિરોધી સામગ્રી ફેલાવનાર એક શખસને પશ્ચિમ કચ્છ SOGએ ઝડપી પાડ્યો છે. આરોપી પ્રતિબંધિત આતંકી સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરતો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતાં ફકીરમામદ ઈસા ગગડા નામના શખસને પકડવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પર ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જિહાદ માટે લોકો એકઠા થવા ઉશ્કેરતા પોસ્ટ્સ શેર કરતો હતો. છેલ્લા ચાર વર્ષથી તે દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો ઊભો કરે તેવો કન્ટેન્ટ ફેલાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.
આ ગંભીર મામલે પશ્ચિમ કચ્છ SOG દ્વારા Paddhar પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી કોના સંપર્કમાં હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં, તે દિશામાં તપાસ ઝડપથી આગળ વધી રહી છે. તેના મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણોની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તંત્રએ નાગરિકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક અથવા દેશવિરોધી પોસ્ટ શેર કરવાથી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ Ahmedabadમાંથી ગુજરાત ATSએ બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા, જેઓ વોટ્સએપ ગ્રુપ દ્વારા કટ્ટર વિચારો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કેસમાં પણ વધુ તપાસ ચાલી રહી છે.




