"વેલકમ ટુ ધ જંગલ" માટે પેઇડ પ્રિવ્યૂનો દાવ, 26 જૂને રિલીઝ પહેલાં શરૂ થશે ખાસ સ્ક્રીનિંગ



"વેલકમ ટુ ધ જંગલ" માટે પેઇડ પ્રિવ્યૂનો દાવ, 26 જૂને રિલીઝ પહેલાં શરૂ થશે ખાસ સ્ક્રીનિંગ



અક્ષય કુમારની બહુચર્ચિત કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મ હવે 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ કમાણી વધારવા માટે એક ખાસ રણનીતિ અપનાવી છે, જે હાલમાં બોલિવૂડમાં નવો ટ્રેન્ડ બની રહી છે.
મળતી માહિતી મુજબ, ફિલ્મ માટે પેઇડ પ્રિવ્યૂ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 26 જૂનની સત્તાવાર રિલીઝ પહેલાં 25 જૂને સાંજે 7:30 વાગ્યે ખાસ પેઇડ પ્રિવ્યૂ યોજાશે. આ શો માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ચૂકી છે, જ્યારે ફિલ્મના નિયમિત શોઝ માટેની એડવાન્સ બુકિંગ 23 જૂનથી શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં ઘુરંધર માટે અપનાવવામાં આવેલી પેઇડ પ્રિવ્યૂની રણનીતિ સફળ રહી હોવાનું ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે. તેના કારણે શરૂઆતના દિવસોની કમાણીમાં વધારો નોંધાયો હતો. હવે 'વેલકમ ટુ ધ જંગલ'ના નિર્માતાઓ પણ એ જ માર્ગે આગળ વધતા જોવા મળી રહ્યા છે.
ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં સ્ટાર્સની લાંબી ફોજ જોવા મળશે. અક્ષય કુમાર ઉપરાંત પરેશ રાવલ, રવીના ટંડન, સંજય દત્ત,અરશદ વર્ષી, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ અને અન્ય અનેક જાણીતા કલાકારો ફિલ્મમાં નજર આવશે.
ફિલ્મનું દિગ્દર્શન એહમદ ખાને કર્યું છે. બીજી તરફ, ફિલ્મને તાજેતરમાં સેન્સર બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે. અહેવાલો અનુસાર, કુલ 18 કટ્સ બાદ ફિલ્મને લીલી ઝંડી આપવામાં આવી છે. ખાસ કરીને કેટલાક ગ્લેમરસ દૃશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
હવે જોવાનું રહેશે કે પેઇડ પ્રિવ્યૂનો આ દાવ 'વેલકમ ટુ ધ જંગલ'ને બોક્સ ઓફિસ પર કેટલો ફાયદો અપાવે છે.




