15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, શ્રેયસ અય્યર બન્યા નવા T20 કેપ્ટન



15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, શ્રેયસ અય્યર બન્યા નવા T20 કેપ્ટન



નવી દિલ્હી ભારતીય ક્રિકેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. માત્ર 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીની ભારતીય T20 ટીમમાં પસંદગી થતાં તે ભારત માટે પસંદ થનાર અત્યાર સુધીનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. આગામી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપરાંત સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ વૈભવને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા T20 ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્માને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવને આ વખતે ટીમમાં સ્થાન મળ્યું નથી.
વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે સમગ્ર સિઝનમાં સૌથી વધુ 776 રન ફટકારી ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. સાથે જ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, સુપર સ્ટ્રાઈકર અને સૌથી વધુ છગ્ગા ફટકારવાના એવોર્ડ પણ જીત્યા હતા. વૈભવે આ સીઝનમાં માત્ર 36 બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
વૈભવે ભારતીય ક્રિકેટના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતીય ટીમમાં પસંદગીના સમયે સૌથી ઓછી ઉંમરના ખેલાડી તરીકે તેણે મહિલા ક્રિકેટર શેફાલી વર્માનો રેકોર્ડ તોડ્યો છે. શેફાલી 15 વર્ષ અને 220 દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદ થઈ હતી, જ્યારે સચિન તેંડુલકર 16 વર્ષ અને 194 દિવસની ઉંમરે ટીમ ઈન્ડિયામાં પસંદ થયા હતા.
હવે સૌની નજર વૈભવના ડેબ્યૂ પર છે. જો તેને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ અથવા એશિયન ગેમ્સમાં રમવાની તક મળશે તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાનો પણ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી ટીમમાં શ્રેયસ અય્યર, તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
વૈભવ સૂર્યવંશીની પસંદગી ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે એક મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.




