વડોદરામાં ગેરકાયદે માટી ખનન પર મોટી કાર્યવાહી, ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત



વડોદરામાં ગેરકાયદે માટી ખનન પર મોટી કાર્યવાહી, ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત



Vadodara News: વડોદરા તાલુકાના ઉટીયા ગામમાં ખાણ અને ખનીજ વિભાગ, ગાંધીનગરની ટીમ દ્વારા ગેરકાયદે માટી ખનન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેડ દરમિયાન એક ઓકલેન્ડ મશીન અને ત્રણ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, કુલ અંદાજે ₹1 કરોડ 80 લાખના મૂલ્યનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનો અને મશીનરીને વરણામા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વરણામા પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા ડમ્પરો પૈકી એક ડમ્પર કેવિન પટેલના નામે રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે માલિકી અને સંકળાયેલા સંબંધોની પણ ચર્ચા શરૂ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કેવિન પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયાના જમાઈના ભાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.
વરણામા પોલીસે ડમ્પરોના મેમો તૈયાર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ ખનન માટે જરૂરી રોયલ્ટી ભરાઈ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા સમગ્ર નેટવર્ક અને દસ્તાવેજોની વિગતવાર તપાસ ચાલુ રાખવામાં આવી છે.




