ઈરાન પર ટ્રમ્પની કડક ચેતવણી, પરમાણુ કરાર નહીં થાય તો ફરી હુમલો કરાશે


ઈરાન પર ટ્રમ્પની કડક ચેતવણી, પરમાણુ કરાર નહીં થાય તો ફરી હુમલો કરાશે


વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા માટે ‘ખૂબ જ ઉત્સુક’ છે અને તેણે મૂળભૂત રીતે સ્વીકારી લીધું છે કે તે પરમાણુ હથિયારો રાખી શકશે નહીં. જોકે ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકી સેનાઓ ફરીથી ઈરાન પર હુમલા શરૂ કરી શકે છે.
ટ્રમ્પે આ નિવેદન રિપબ્લિકન કોંગ્રેસમેન એન્ડી ઓગલ્સ માટે યોજાયેલી વર્ચ્યુઅલ કેમ્પેઈન રેલી તેમજ ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં આપ્યું હતું.
તેમણે કહ્યું કે, “ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો નહીં હોય અને તેઓ આ વાત સારી રીતે સમજે છે. અમે તેમના પર જોરદાર પ્રહાર કર્યો છે અને હવે તેઓ કોઈપણ રીતે કરાર કરવા માંગે છે.”
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે સારી ચર્ચા થઈ રહી છે. તેમણે ઈરાનના આ દાવાને નકારી કાઢ્યો કે પરમાણુ મુદ્દે કોઈ ચર્ચા ચાલી રહી નથી.
ટ્રમ્પે કહ્યું કે ઈરાને અમેરિકાની મુખ્ય શરતને સિદ્ધાંતરૂપે સ્વીકારી લીધી છે, પરંતુ હજુ સુધી તેણે તેને સત્તાવાર રીતે મંજૂરી આપી નથી. “મારી માત્ર એટલી જ માંગ છે કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ન હોવા જોઈએ. તેઓ આ વાત માટે સહમત થઈ ગયા છે, હવે ફક્ત તેને સત્તાવાર સ્વરૂપ આપવાનું બાકી છે,” તેમણે જણાવ્યું.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેઓ સૈન્ય કાર્યવાહી કરતાં કરારને પ્રાથમિકતા આપે છે. જોકે તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો તેહરાન કરાર નહીં કરે તો અમેરિકા ઈરાનના પુલો, વીજ મથકો અને અન્ય મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ પર મોટા પાયે હુમલા કરશે.
તેમણે કહ્યું, “જો તેઓ કરાર નહીં કરે તો હું પાછો જઈને મારું કામ પૂરું કરીશ.”
ટ્રમ્પે ‘પિકએક્સ માઉન્ટેન’નો પણ ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે ત્યાં ઈરાન કિલ્લેબંધી અને નિર્માણ કાર્ય કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જો કરાર નહીં થાય તો અમેરિકા તે સ્થળને પણ સરળતાથી નષ્ટ કરી શકે છે.
હોર્મુઝ જળમાર્ગ અંગે ટ્રમ્પે દાવો કર્યો કે ત્યાંથી પસાર થતા જહાજો પર અમેરિકી સેનાનું નિયંત્રણ છે અને માત્ર પસંદગીના જહાજોને જ પસાર થવા દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 2015માં ઈરાન અને વિશ્વની છ મોટી શક્તિઓ વચ્ચે પરમાણુ કરાર થયો હતો, જેના હેઠળ પ્રતિબંધોમાં રાહતના બદલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2018માં અમેરિકા તે કરારમાંથી બહાર કાઢ્યું હતું.




