સુરતમાં નશાખોર કારચાલકનો આતંક: EV કારથી અનેક વાહનોને ટક્કર, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત



સુરતમાં નશાખોર કારચાલકનો આતંક: EV કારથી અનેક વાહનોને ટક્કર, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત



સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં નશાની હાલતમાં બેફામ કાર હંકારી આતંક મચાવનાર કારચાલકની ઓળખ એક આર્કિટેક્ટ તરીકે થઈ છે. આરોપી એટલો દારૂના નશામાં હતો કે તેને પોતાના કૃત્યનું પણ ભાન ન હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે કાર ચલાવતી વખતે જ બિયર પીતો પીતો આવી રહ્યો હતો.
માહિતી મુજબ, નશાખોર કારચાલકે પોતાની EV કારથી રસ્તા પર ચાલતા બાઈક અને સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બે સગા ભાઈઓ સહિત બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ઇજાગ્રસ્તોના હાથ અને પગ કચડાઈ ગયા હતા, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ દારૂ પીને બેફામ વાહન ચલાવવા, અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવા અને અકસ્માત સર્જવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




