સુરતમાં ACBનો સપાટો: બીજી વખત લાંચ લેતા મનપાનો આસિસ્ટન્ટ ઇજનેર રંગેહાથ ઝડપાયો



સુરતમાં ACBનો સપાટો: બીજી વખત લાંચ લેતા મનપાનો આસિસ્ટન્ટ ઇજનેર રંગેહાથ ઝડપાયો



સુરત: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીને ₹45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આરોપી અધિકારી અગાઉ પણ લાંચના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાણીની લાઇન નાખવાના કામનું બિલ મંજૂર કરવા માટે જીજ્ઞેશ મોદીએ ફરિયાદી પાસેથી ₹50 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે અંતર્ગત નક્કી કરાયેલા ₹45 હજાર સ્વીકારવા માટે જીજ્ઞેશ મોદી ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર પહોંચ્યા હતા. ત્યાં જ ACBની ટીમે તેમને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે જીજ્ઞેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ રાંદેર ઝોનમાં ફરજ દરમિયાન ₹15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે પણ તેમની સામે ACB દ્વારા ગુનો નોંધાયો હતો. તેમ છતાં ફરી એકવાર લાંચ લેતા ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.
એક જ અધિકારી બીજી વખત લાંચના ગુનામાં ઝડપાતા સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મનપામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.




