રાજકોટમાં ગંભીર કેસ: એક જ ઘટનામાં સામસામે ફરિયાદો, રાજકીય કનેક્શન સાથે મામલો ગરમાયો



રાજકોટમાં ગંભીર કેસ: એક જ ઘટનામાં સામસામે ફરિયાદો, રાજકીય કનેક્શન સાથે મામલો ગરમાયો



રાજકોટ: રાજકોટમાં એક જ ઘટનાને લઈને સામસામે ફરિયાદો નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના આગેવાન સાથે સંકળાયેલા રાજા ચાવડા સહિત ચાર લોકો સામે દુષ્કર્મ, અપહરણ, ખંડણી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ પ્રેમલગ્ન કરનારી પરિણીતાના અપહરણની અલગ ફરિયાદ નોંધાતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
આજીડેમ પોલીસ સ્ટેશનમાં કચ્છની રહેવાસી 20 વર્ષીય યુવતી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાન ચાવડાના ભત્રીજા અને જિલ્લા પંચાયત સભ્ય સુમિતા ચાવડાના પતિ રાજેશ ઉર્ફે રાજા ચાવડા સહિત રામ છૈયા, શ્યામ છૈયા અને મુકેશ છૈયાના નામો આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ આરોપીઓએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો, મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો તેમજ ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ એવો પણ આક્ષેપ છે કે રાજા ચાવડાએ પોતાના લાયસન્સવાળા હથિયારનો ધાક બતાવી યુવતી પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો.
પીડિતાના જણાવ્યા મુજબ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને લગભગ બે મહિના સુધી રામ છૈયાના ઘરે બંધક બનાવી રાખવામાં આવી હતી. આ ફરિયાદ અગાઉ કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી નોંધાઈ હતી, જેને બાદમાં વધુ તપાસ માટે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
બીજી તરફ આ જ કેસમાં શ્યામ છૈયાએ પણ અલગથી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ બે મહિના અગાઉ પ્રેમલગ્ન કરનારી પોતાની ભાભીનું તેના પરિવારજનોએ સાસરીયેથી અપહરણ કર્યું હતું. આ ફરિયાદમાં મહેશ, ઈશ્વર અને અન્ય ચાર અજાણ્યા લોકો સામે અપહરણ, મારામારી અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ બંને પક્ષોની ફરિયાદોના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની સચ્ચાઈ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.




