Rohit Sharma: રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ, ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો

Rohit Sharma: રોહિત શર્માએ બીજી વનડેમાં 2 છગ્ગા ફટકારી ન્યૂઝીલેન્ડ સામે 51 છગ્ગા પૂરા કર્યા અને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો.
Nancy Shukal
Nancy Shukal
Rohit Sharma: રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે હાંસલ કરી આ સિદ્ધિRohit Sharma: રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે હાંસલ કરી આ સિદ્ધિ

Rohit Sharma: રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામે હાંસલ કરી આ સિદ્ધિ

Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ભલે 23 રનની ટૂંકી ઈનિંગ રમી હોય, પરંતુ આ દરમિયાન તેને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 2 શાનદાર છગ્ગા ફટકારવાની સાથે જ રોહિત વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. આ સાથે તેને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

શાહિદ આફ્રિદીને પાછળ છોડ્યો

ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે પહેલાં રોહિત શર્માના નામે કીવી ટીમ સામે 49 છગ્ગા હતા. બીજી વનડેમાં 2 છગ્ગા ફટકારતાં જ તેનો આંકડો 51 પર પહોંચી ગયો. આ સાથે તેને શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો છે. શાહિદ આફ્રિદીએ ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં કુલ 50 છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેઈલ આ લિસ્ટમાં 45 છગ્ગા સાથે ત્રીજા નંબરે છે.

ખાસ વાત એ છે કે પ્રથમ વનડેમાં રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પરંતુ બીજી મેચમાં તેને 2 છગ્ગા ફટકારીને પોતાની તાકાત બતાવી અને રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું.

શાહિદ આફ્રિદીના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી

રોહિતે આ પ્રદર્શન સાથે વધુ એક વિશેષ સિદ્ધિ મેળવી છે. તે વનડે ક્રિકેટના ઈતિહાસમાં ત્રણ અલગ-અલગ ટીમ સામે 50 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર વિશ્વનો બીજો બેટર બન્યો છે. આ મામલે તેને શાહિદ આફ્રિદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે.

રોહિતે ઓસ્ટ્રેલિયા સામે 93 અને શ્રીલંકા સામે 58 છગ્ગા ફટકાર્યા છે. હવે ન્યૂઝીલેન્ડ સામે પણ તેના 51 છગ્ગા થઈ ગયા છે. આ રીતે કીવી ટીમ ત્રીજી એવી ટીમ બની છે, જેના સામે રોહિતે 50થી વધુ છગ્ગા ફટકાર્યા છે.

વનડેમાં એક ટીમ સામે સૌથી વધુ છગ્ગા

વનડે ક્રિકેટમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ છગ્ગા ફટકારવાના આંકડામાં રોહિત શર્મા ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા સામે તેના નામે 93 છગ્ગા છે. ત્યારબાદ ક્રિસ ગેઈલે ઈંગ્લેન્ડ સામે 85 અને શાહિદ આફ્રિદીએ શ્રીલંકા સામે 63 છગ્ગા ફટકાર્યા છે.

આ પણ વાંચો: Ind Vs NZ: 135 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયાના છૂટ્યા પરસેવા, ગિલે કહ્યું- 'હાર્યા હોત તો શરમજનક...'