CWG 2030: અમદાવાદ બનશે વૈશ્વિક રમતગમતનું નવું કેન્દ્ર! 2030 કોમનવેલ્થ ગેમ્સથી ભારતની સ્પોર્ટ્સ મહાશક્તિ બનવાની તૈયારી


CWG 2030: ભારતની સ્પોર્ટ્સ મહાશક્તિ બનવાની તૈયારી
CWG 2030: અમદાવાદ બનશે વૈશ્વિક રમતગમતનું નવું કેન્દ્ર! 2030 કોમનવેલ્થ ગેમ્સથી ભારતની સ્પોર્ટ્સ મહાશક્તિ બનવાની તૈયારી


CWG 2030: ભારતની સ્પોર્ટ્સ મહાશક્તિ બનવાની તૈયારી
CWG 2030: ભારત હવે રમતગમતમાં માત્ર મેડલ જીતવા પૂરતું સીમિત રહેવા માગતું નથી, પરંતુ વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને વૈશ્વિક રમતગમતમાં આગવું સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ આ દિશામાં ભારત માટે એક ઐતિહાસિક તક બની શકે છે. સાથે જ 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીનું લક્ષ્ય પણ દેશની રમતગમત નીતિને નવી દિશા આપી રહ્યું છે.
100 વર્ષનો વારસો અને અમદાવાદ 2030ની તૈયારી
વર્ષ 1930માં શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સની સફરે 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ રમતોત્સવે વિશ્વભરના ખેલાડીઓને એક મંચ પર લાવીને અનેક યાદગાર ક્ષણો અને રેકોર્ડ આપ્યા છે. હવે 'ભૂતકાળની પ્રેરણા, વર્તમાનની મહેનત અને ભવિષ્યની શક્યતાઓ'ના મંત્ર સાથે અમદાવાદ 2030ની યજમાની માટે તૈયાર થઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત આધુનિક રમતગમત સુવિધાઓ અને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વિકાસથી અમદાવાદને વૈશ્વિક રમતગમતના નકશા પર મહત્ત્વનું સ્થાન મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ભારતની તૈયારીઓ પર ભાર મૂકી ચૂક્યા છે. આ ઉપરાંત, વર્ષ 2029માં અમદાવાદમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન થવાનું છે.
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાતમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ રમતગમતના વિકાસને નવી ગતિ આપી રહી છે. ઓગસ્ટ 2026માં અમદાવાદમાં યોજાયેલી FIBA અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં 16 દેશની ટીમોએ ભાગ લીધો હતો. 13થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધા વર્ષ 2004 બાદ ભારતમાં યોજાયેલી પ્રથમ અંડર-18 એશિયા કપ સ્પર્ધા હતી.
<blockquote class="twitter-tweet"><p lang="gu" dir="ltr">હવે રમતગમતના મેદાનમાં ભારતનો નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે! વર્ષ 2030માં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુવા ખેલાડીઓને પ્રોત્સાહન, મહિલા ખેલાડીઓ માટે વિશેષ યોજનાઓ, પેરા એથ્લીટ્સને સમાન તક અને 'મેડ ઈન ઈન્ડિયા' સ્પોર્ટ્સ સાધનોના ઉત્પાદનથી ભારત રમતગમતના ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરવાની તૈયારી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમતને પ્રોત્સાહન આપવાના વિઝનથી લઈને ગુજરાત સરકારની પહેલ સુધી, નજર હવે અમદાવાદ 2030 પર છે.
#Ahmedabad2030 #CommonwealthGames #GujaratSports #SportsInfrastructure #KheloIndia #Olympics2036 #IndianSports #WomenInSports #ParaAthletes #MadeInIndia #NarendraModi #GrowthNowNews</p>— Growthnownews (@growthnownews) <a href="https://x.com/growthnownews/status/2122646994607043047?ref_src=twsrc%5Etfw">November 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
આવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓથી સ્થાનિક ખેલાડીઓને વિશ્વસ્તરીય રમતનો અનુભવ મળે છે. આ સાથે જ અમદાવાદને ભવિષ્યમાં મોટા રમતોત્સવોના આયોજન માટે જરૂરી અનુભવ પણ પ્રાપ્ત થાય છે.
ખેલાડીઓની તાલીમથી લઈને સ્વદેશી સાધનોના ઉત્પાદન સુધી પ્રયાસ
એક સમય હતો જ્યારે ગુજરાતના યુવાનોને સ્પોર્ટ્સ કોચિંગ અને ફિઝિકલ એજ્યુકેશનના અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. હવે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલો દ્વારા રાજ્યમાં જ તાલીમ અને શિક્ષણની તકો ઊભી થઈ રહી છે.
કેન્દ્ર સરકારની 1,800 કરોડ રૂપિયાથી વધુની ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમનો હેતુ ભારતમાં જ રમતગમતનાં સાધનોનું ઉત્પાદન વધારવાનો છે. આ પહેલથી સ્પોર્ટ્સ શૂઝ, કપડાં અને અન્ય સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. સાથે જ MSME સેક્ટર, નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે.
મહિલા અને પેરા ખેલાડીઓને પણ મળશે પ્રોત્સાહન
ભારતની રમતગમત ક્રાંતિમાં મહિલા ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે રોકડ પુરસ્કાર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર મહિલા ખેલાડીઓને તેમની સિદ્ધિના આધારે વાર્ષિક સહાય આપવામાં આવે છે.
- પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને 4,800 રૂપિયા
- બીજું સ્થાન મેળવનાર ખેલાડીને 3,600 રૂપિયા
- ત્રીજું સ્થાન મેળવનાર ખેલાડીને 2,400 રૂપિયા
બીજી તરફ, પેરા સ્પોર્ટ્સમાં પણ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન એશિયન પેરા ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા 2010માં 14થી વધીને 114 સુધી પહોંચ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમને દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક અને સન્માન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
2030 અને 2036 માટે આજના યુવા ખેલાડીઓ તૈયાર
2014માં શરૂ થયેલી ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ અને ખેલો ઈન્ડિયા અભિયાન દ્વારા યુવા પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અને આર્થિક સહાય આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને ગામડાં, ગરીબ અને આદિવાસી પરિવારોના યુવાનોને રમતગમતમાં આગળ વધવાની તક મળી રહી છે.
આજે 5થી 15 વર્ષની ઉંમરના જે બાળકો મેદાન પર પરસેવો પાડી રહ્યા છે, તેઓ જ આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. પરંતુ આ લક્ષ્યોને સાકાર કરવા માટે સમયસર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, પારદર્શક આયોજન, ગુણવત્તાયુક્ત તાલીમ અને ખેલાડીઓને સતત આર્થિક સહાય આપવી જરૂરી રહેશે. આમ, અમદાવાદ 2030 માત્ર એક રમતોત્સવ નહીં, પરંતુ ભારતની રમતગમત ક્ષેત્રે વધતી ક્ષમતા, યુવા પ્રતિભા અને વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રતીક બની શકે છે.
આ પણ વાંચો: IPL 2027: રાજસ્થાન અને લખનૌ વચ્ચે થઈ મોટી મોટી ટ્રેડ ડીલ, રાજસ્થાન રોયલ્સમાં જોડાયો મોહમ્મદ શમી




