World News: ઈઝરાયેલમાં અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથની નેતન્યાહૂ સાથે ગુપ્ત મુલાકાત, ઈરાન સાથેના તણાવ વચ્ચે બેઠકથી ચર્ચા તેજ


World News
World News: ઈઝરાયેલમાં અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથની નેતન્યાહૂ સાથે ગુપ્ત મુલાકાત, ઈરાન સાથેના તણાવ વચ્ચે બેઠકથી ચર્ચા તેજ


World News
World News: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈઝરાયેલની મુલાકાત લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ મુલાકાત અંગે અગાઉથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. હેગસેથ સોમવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા અને દક્ષિણ ઈઝરાયેલના એક સૈન્ય મથક પર બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
પેન્ટાગોને શરૂઆતમાં આ મુલાકાત અંગે કોઈ જાહેરાત કરી નહોતી
મળતી માહિતી મુજબ આ બેઠક દક્ષિણ ઈઝરાયેલના સૈન્ય મથક પર યોજાઈ હતી. જોકે, નેતન્યાહૂના કાર્યાલયે આ બેઠક અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નહોતી. અમેરિકાના પેન્ટાગોને પણ શરૂઆતમાં આ મુલાકાત અંગે કોઈ જાહેરાત કરી નહોતી. અહેવાલો સામે આવ્યા બાદ પીટ હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) હેઠળ ફરજ બજાવતા અમેરિકન સૈનિકોની મુલાકાત લીધી હતી. તેમણે સૈનિકો સાથેની તસવીરો પણ શેર કરી હતી અને દેશની સેવા કરતા સૈનિકોને મળવું સન્માનની વાત ગણાવી હતી. તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હેગસેથ અને નેતન્યાહૂ વચ્ચેની બેઠક દક્ષિણ ઈઝરાયેલના ઓવદા એરબેઝ પર થઈ હતી. અહીં અમેરિકાનાં લડાકુ વિમાનો અને હવામાં ઇંધણ ભરતાં વિમાનો તૈનાત હોવાની માહિતી પણ સામે આવી હતી.
બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની કોઈ માહિતી સામે આવી નથી
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાની સંભાવનાને લઈને અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચર્ચા ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઉપરાંત, ઈઝરાયેલની રાષ્ટ્રીય ચૂંટણીના આઠ દિવસ પહેલાં થયેલી આ મુલાકાતને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી તે અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: India US Relations: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો મુંબઈ પહોંચ્યા, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર રહેશે નજર





