India-New Zealand FTA: ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર 20 ઑક્ટોબરથી અમલમાં આવશે, વેપાર અને રોકાણને મળશે મોટો વેગ


India-New Zealand FTA
India-New Zealand FTA: ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર 20 ઑક્ટોબરથી અમલમાં આવશે, વેપાર અને રોકાણને મળશે મોટો વેગ


India-New Zealand FTA
India-New Zealand FTA: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) 20 ઑક્ટોબરથી અમલમાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે આ અંગે માહિતી આપી હતી. આ કરારથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે અને વેપાર, રોકાણ તથા રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
ભારતમાં 20 અબજ ડૉલર સુધીના રોકાણની તકો
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે મુક્ત વેપાર કરાર માત્ર આયાત-નિકાસ પરના ટેરિફ ઘટાડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા ગાળાની આર્થિક ભાગીદારી વિકસાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આવા કરારો વેપારને સરળ બનાવવા, નિયમનકારી મંજૂરીઓ ઝડપી કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
ભારતના સેવા ક્ષેત્રને પણ મોટો લાભ મળવાની શક્યતા
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કરારથી કૃષિ, ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટઅપ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ન્યૂઝીલેન્ડમાંથી ભારતમાં 20 અબજ ડૉલર સુધીના રોકાણની તકો ઊભી થઈ શકે છે. સરકાર આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ કરારથી ભારતના સેવા ક્ષેત્રને પણ મોટો લાભ મળવાની શક્યતા છે. ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, વ્યાવસાયિક સેવાઓ, બાંધકામ, પ્રવાસન અને ઑડિયો-વિઝ્યુઅલ ક્ષેત્રોને ન્યૂઝીલેન્ડના બજારમાં વધુ સારી પહોંચ મળશે. આ ઉપરાંત, ભારતીય વ્યાવસાયિકો માટે વિશેષ વિઝા ક્વોટાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ન્યૂઝીલેન્ડમાં કામ કરવાની વધુ તકો મળશે.
રોકાણને નવી ગતિ મળવાની આશા
ભારતીય ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસ નિકાસકારોને પણ નિયમનકારી પ્રક્રિયામાં સરળતા મળવાની અપેક્ષા છે. ન્યૂઝીલેન્ડ માન્ય આંતરરાષ્ટ્રીય નિયમનકારોની નિરીક્ષણ મંજૂરીઓ સ્વીકારશે, જેથી ઉત્પાદનોને બજારમાં ઝડપી પ્રવેશ મળી શકશે. હાલમાં બંને દેશો વચ્ચે માલસામાનનો વેપાર આશરે 1.1 અબજ ડૉલર છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતીય ખેડૂતોના હિતોની સુરક્ષા માટે ડેરી, ખાંડ, ખાદ્યતેલ અને મોટાભાગના માંસ ઉત્પાદનો જેવા સંવેદનશીલ ક્ષેત્રોને ટેરિફ છૂટછાટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ કરારથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Namo Bharat Rapid Rail: નમો ભારત રેપિડ રેલના 3 વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં 4.5 કરોડથી વધુ મુસાફરોએ કરી મુસાફરી





