Russia-Ukraine યુદ્ધ વચ્ચે ડ્રોન હુમલા તેજ, યારોસ્લાવ્લની ઓઈલ રિફાઈનરીને મોટું નુકસાન


Russia-Ukraine
Russia-Ukraine યુદ્ધ વચ્ચે ડ્રોન હુમલા તેજ, યારોસ્લાવ્લની ઓઈલ રિફાઈનરીને મોટું નુકસાન


Russia-Ukraine
Russia-Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે. રશિયાના આક્રમક હુમલાના જવાબમાં યુક્રેન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મધ્ય રશિયાના યારોસ્લાવ્લ વિસ્તારમાં આવેલી એક ઓઈલ રિફાઈનરીને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. આ માહિતી યારોસ્લાવ્લ ક્ષેત્રના ગવર્નર મિખાઈલ યેવરાયેવ દ્વારા આપવામાં આવી હોવાનું રશિયન સમાચાર એજન્સી TASSએ જણાવ્યું છે.
એક ઓઈલ રિફાઈનરીને નુકસાન પહોંચ્યું
ગવર્નરના જણાવ્યા મુજબ, રશિયન સેનાએ મોટાપાયે કરવામાં આવેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા અને કુલ 65 ડ્રોન તોડી પાડવામાં આવ્યા. આ હુમલામાં કોઈના મૃત્યુ કે ઈજાના સમાચાર નથી. જોકે, એક ઓઈલ રિફાઈનરીને નુકસાન પહોંચ્યું છે અને ત્યાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડ્રોનના કાટમાળના કેટલાક વિસ્તારોમાં પડવાથી અનેક એપાર્ટમેન્ટ્સ અને અન્ય ઈમારતોની બારીઓને નુકસાન થયું હતું. કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાની માહિતી છે. ગવર્નરે જણાવ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને રાહત તથા સમારકામની કામગીરી ચાલી રહી છે.
ઝેલેન્સ્કીએ જવાબી ડ્રોન હુમલાને લઈને યુક્રેનના સૈનિકોનો આભાર માન્યો
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયામાં કરવામાં આવેલા જવાબી ડ્રોન હુમલાને લઈને યુક્રેનના સૈનિકોનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે યુક્રેનની સુરક્ષા સેવા, માનવરહિત સિસ્ટમ્સ ફોર્સ, ડિફેન્સ ઈન્ટેલિજન્સ અને ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસના સંયુક્ત ઓપરેશનમાં યારોસ્લાવ્લની ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ રોસ્ટોવ સ્થિત એક સૈન્ય એરફિલ્ડ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમના દાવા પ્રમાણે આ હુમલામાં એક AN-12 વિમાન, બે AN-26 વિમાન અને ત્રણ હેલિકોપ્ટરને નુકસાન થયું છે. જોકે, આ દાવાઓ અંગે સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી. ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેન દરરોજ રશિયાની આક્રમકતાનો જવાબ આપી રહ્યું છે અને રશિયાએ શાંતિનો માર્ગ પસંદ કરવો પડશે.
આ પણ વાંચો : PM Modi Birthday: વડાપ્રધાનના જન્મદિવસ પર મિત્ર પુતિનનો ખાસ મેસેજ, કહ્યું- 'તમારો દરજ્જો...'





