Iran America War : ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફનો મોટો દાવો, કહ્યું 'હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ'


Iran America War
Iran America War : ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફનો મોટો દાવો, કહ્યું 'હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ'


Iran America War
Iran America War : ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ વચ્ચે ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ રિયર એડમિરલ હબીબોલ્લાહ સય્યારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. સય્યારીએ દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું સંપૂર્ણ નિયંત્રણ છે અને કોઈપણ વ્યક્તિના નિવેદનથી તેની સ્થિતિ પર કોઈ અસર થવાની નથી.
ઉત્તર હિંદ મહાસાગરની જવાબદારી ઈરાની નૌકાદળ પાસે
સય્યારીએ જણાવ્યું કે ઈરાન ઓમાન સાગરના ઉત્તરી ભાગ અને હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વી વિસ્તારમાં નિર્ણાયક કાર્યવાહી કરે છે અને કોઈને પણ ત્યાંથી પસાર થવા દેવામાં આવતું નથી. તેમના જણાવ્યા અનુસાર, હોર્મુઝના પશ્ચિમ ભાગ, સ્ટ્રેટ અને પર્શિયન ગલ્ફ પર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCની નૌકાદળનું નિયંત્રણ છે. જ્યારે સ્ટ્રેટના પૂર્વ ભાગ અને ઉત્તર હિંદ મહાસાગરની જવાબદારી ઈરાની નૌકાદળ પાસે છે. સય્યારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ યથાવત છે. ઈરાને અમેરિકાના સૈન્ય દબાણને ઘટાડવા અને પોતાના બંદરો પરની નાકાબંધી હટાવવાની સ્થિતિમાં સાત દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાની ઓફર કરી હતી.
ટ્રમ્પે આ મોટી શક્યતા વ્યક્ત કરી
જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આ ઓફર નકારી દીધી છે. ટ્રમ્પે આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થવાની શક્યતા વ્યક્ત કરી છે. બીજી તરફ, ઈરાનના સરકારી મીડિયા IRNA અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ન્યૂયોર્ક પહોંચેલું ઈરાની પ્રતિનિધિમંડળ હાલ અમેરિકા સાથે નવી વાતચીતની કોઈ યોજના ધરાવતું નથી. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. અહીં વધતા તણાવની અસર આંતરરાષ્ટ્રીય વેપાર અને ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે. 28 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 106 ડોલરથી ઉપર પહોંચ્યો હતો. બીજી તરફ, આ વિસ્તારમાંથી તેલની નિકાસમાં પણ અગાઉના મહિનાઓની સરખામણીએ થોડો સુધારો નોંધાયો છે.
આ પણ વાંચો : India-Kazakhstanની સેનાઓ ફરી કરશે સંયુક્ત સૈન્ય અભ્યાસ, ભારતની 60 સભ્યોની ટુકડી ઓસ્કેમેન જવા રવાના





